ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય અને અભૂતપૂર્વ જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે. ચૂંટણીના પરિણામોમાં ભાજપે કેસરિયો લહેરાવી ગાંધીનગર મહાનગરપાલિકા પર કબ્જો જમાવ્યો છે. બીજી તરફ હરીફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ થઇ ગયા છે. ભાજપે ૧૧ વોર્ડની કુલ ૪૪ બેઠક પૈકી ૪૧ બેઠકો પર જંગી બહુમતિથી જીત મેળવી કોંગ્રેસ અને આપ પર બુલડોઝર ફેરવ્યું છે. આમ પાટીલ અને પટેલની નવી જોડીએ ગાંધીનગર સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કમાલ કરી બતાવી, તેની ખુશીમાં ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા રૂપમ ચોક, ઘોઘાગેટ ખાતે સાંજે ૭-૦૦ કલાકે ફટાકડા ફોડીને ખુશી પ્રગટ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર ભાજપ સંગઠન, વરિષ્ટ આગેવાનો, મહાનગર પાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને નગરસેવકો, વોર્ડ સંગઠન, તેમજ વિવિધ સેલ- મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ અને સભ્યો, કાર્યકરો અને શુભેચ્છકો ઉપસ્થિત રહેલ અને સૌએ એક બીજાને અભિનંદન આપીને ખુશાલી વ્યક્ત કરેલ. તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા વિભાગ જણાવે છે.