અમૃત મહોત્સવ પર યોજાયેલા કાર્યક્રમનો પ્રારંભ : યુપીમાં પેયજળ અને સીવરેજની ૪૭૩૭ કરોડની ૭૫ વિકાસ પરિયોજનાઓનું ડિજિટલી લોકાર્પણ-શિલાન્યાસ
લખનૌ , તા.૫
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લખનૌ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પસંદગી કરાયેલા ૭૫ હજાર લાભાર્થીઓને ઘરોની ચાવી સોંપી. આ ઉપરાંત પીએમએ દેશના આઝાદીના અમૃત મહોત્સવ અવસરે ન્યૂ અર્બન ઈન્ડિયા થીમ સાથે કેન્દ્રીય આવાસન અને શહેરી કાર્ય મંત્રાલય તથા નગર વિકાસ વિભાગ, ઉત્તર પ્રદેશના સંયુક્ત તત્વાવધાનમાં આયોજિત ત્રણ દિવસના કાર્યક્રમની શરૂઆત કરી. કાર્યક્રમમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ સામેલ થયા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ સ્માર્ટ સિટી મિશન હેઠળ આગ્રા, અલીગઢ, બરેલી, ઝાંસી, કાનપુર, લખનઉ, પ્રયાગરાજ, સહારનપુર, મુરાદાબાદ અને અયોધ્યામાં ઈન્ટીગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, ઈન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અને નગરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા અમૃત મિશન હેઠળ પ્રદેશના વિભિન્ન શહેરોમાં યુપી જળ નિગમ દ્વારા નિર્મિત પેયજળ અને સીવરેજની કુલ ૪૭૩૭ કરોડ રૂપિયાની ૭૫ વિકાસ પરિયોજનાઓનું ડિજિટલી લોકાર્પણ/શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ યુપીના ૭૫ જિલ્લાના ૭૫ હજાર લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી (પીએમએવાય-યુ) હેઠળ નિર્મિત ઘરોની ચાવીઓ ડિજિટલ રીતે સોંપી. કાર્યક્રમને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે મને સારું લાગ્યું કે ૩ દિવસ સુધી લખનૌમાં ભારતના શહેરોના નવા સ્વરૂપ પર દેશભરના વિશેષજ્ઞ ભેગા થઈને મંથન કરવાના છે. અહીં જે પ્રદર્શન લાગ્યું છે તે આઝાદીના આ અમૃત મહોત્સવમાં ૭૫ વર્ષની ઉપલબ્ધિઓ અને દેશના નવા સંકલ્પોને સારી પેઠે પ્રદર્શિત કરે છે.
તેમણે કહ્યું કે લખનૌએ અટલજીના રૂપમાં એક વિઝનરી, માતા ભારતી માટે સમર્પિત રાષ્ટ્રનાયક દેશને આપ્યા છે. આજે તેમની સ્મૃતિમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં અટલ બિહારી વાજપેયી ચેર સ્થાપિત કરવામાં આવી રહી છે. મને વિશ્વાસ છે કે આ ચેર અટલજીના વિઝન, તેમના એક્શન, રાષ્ટ્રનિર્માણમાં તેમનું યોગદાન વિશ્વ પટલ પર લાવશે. જે રીતે ભારતની ૭૫ વર્ષની વિદેશ નીતિમાં અનેક વળાંક આવ્યા, પરંતુ અટલજીએ તેને નવી દિશા આપી. પીએમ મોદીએ કહ્યું કે વર્ષ ૨૦૧૪ બાદથી અમારી સરકારે પીએમ આવાસ યોજના હેઠળ શહેરોમાં એક કરોડ ૧૩ લાખથી વધુ ઘરોના નિર્માણને મંજૂરી આપી છે. જેમાં ૫૦ લાખથી વધુ ઘર બનાવીને તેમને ગરીબોને સોંપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અમે ઘરોની ડિઝાઈનથી લઈને ઘરોના નિર્માણ સુધીની પૂરી આઝાદી લાભાર્થીઓને સોંપી છે. ૨૦૧૪ પહેલા સરકારી યોજનાઓના ઘર કઈ સાઈઝના બનશે તેની કોઈ સ્પષ્ટ નીતિ નહતી. ૨૦૧૪ બાદ અમારી સરકારે ઘરોની સાઈઝને લઈને પણ સ્પષ્ટ નીતિ અપનાવી. અમે એ નક્કી કર્યું કે ૨૨ સ્કવેર મીટરથી નાનું કોઈ ઘર બનશે નહીં. અમે ઘરની સાઈઝ વધારવાની સાથે જ પૈસા સીધા લાભાર્થીઓના ખાતામાં મોકલવાનું શરૂ કર્યું. પીએમ મોદીએ આ સાથે એમ પણ કહ્યું કે મને એ વાતનો આનંદ થાય છે કે દેશમાં પીએમ આવાસ યોજના હેઠળ જે ઘર અપાઈ રહ્યા છે તેમાં ૮૦ ટકાથી વધુ ઘરો પર માલિકી હક મહિલાઓનો છે અથવા તો પછી જોઈન્ટ ઓનર છે.