તાજેતરમાં ભાવનગર મહાનગરપાલિકાનો વિસ્તાર નારી ગામના તળાવને જ કરોડો રૂપિયાનો ખર્ચ કરી ડેવલોપ કરવામાં આવ્યું પરંતુ ચિત્રા જીઆઇડીસીની ફેક્ટરીઓમાંથી કેમિકલયુક્ત ઝેરી પાણી છોડાતા તળાવનું પાણી પ્રદૂષિત થઈ ગયું છે. જેમાં ખાસ કરીને નારી ગામ નજીક તળાવ અને ૨૫ જેટલા કુવાઓમાં પાણી લાલ થયા હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે કેમિકલયુક્ત પાણીના કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે અને લોકોના આરોગ્યને હાની પહોચશે તેવો ખતરો ઉભા થવાની ભીતી સર્જાય છે. કોર્પોરેશનમાં નારી ગામ ભળ્યા બાદ રૂ.૨.૨૫ કરોડના ખર્ચે ૧૨૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં નારી ગામના તળાવનું ડેવલોપમેન્ટ કરાયું છે. જેને કારણે આસપાસના વિસ્તારમાં કુવા, બોરના તળ પણ સુધર્યા છે. અને ફરવા લાયક સ્થળ તરીકે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પરંતુ વિશ્વકર્મા જીઆઇડીસી ચિત્રામાં આવેલી જીન્સની ફેકટરીમાંથી કેમિકલયુક્ત પાણી તળાવમાં છોડાતા તળાવનું સ્વચ્છ પાણી પણ દૂષિત થઈ ગયું છે. તદુપરાંત આજુબાજુની જમીનની ફળદ્રુપતા ઘટી ખેતીલાયક જમીન રહેતી નથી. રહેણાંક વિસ્તારમાં પણ કુવા બોરના પાણી ખરાબ થઈ ગયા છે અને પીવાલાયક રહ્યાં નથી. તળાવ નજીકના ખેતરોમાં અંદાજિત ૨૫ થી ૩૦ કુવાના પાણી પણ પ્રદૂષિત થઈ ગયા છે.