શક્તિ ભક્તિનું પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ

379

ચોથના ક્ષયને કારણે આઠ નોરતા, મંદિર-મઢમાં તૈયારીઓને આખરી ઓપ : ચુંદડી, હાર, લાઈટ ડેકોરેશનની વસ્તુની ખરીદીમાં ભીડ
માતાજીની ભક્તિ અને આરાધનાનાં પર્વ નવરાત્રીનો આવતીકાલ ગુરૂવારથી પ્રારંભ થઈ રહ્યો છે શહેર-જિલ્લાનાં દેવી મંદિરોને રંગ-રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. માયભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો ખેલૈયાઓ પણ ઉત્સાહિત બન્યા છે. ત્યારે દરેકે નવરાત્રી પર્વની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.નવરાત્રી પૂર્વે જ બજારમાં માતાજીની ચૂંદડી, ફુંલહાર, શુસોભનની વસ્તુઓ, પૂજાપો, ધુપ-અગરબત્તીની તેમજ દાંડીયા અને ગરબાની ખરીદી લોકો કરી રહ્યા છે. તો મંદિરો બહાર માતાજીની ગરબી માટે મંડપો રોપાઈ ગયા છે અને તોરણ બંધાઈ ગયા છે.

ખેલૈયાઓએ રાસ-ગરબા માટે વસ્ત્રો સહિતની તૈયારીઓ પણ કરી લીધી છે અને માયભક્તો નવરાત્રીની ઉજવણી માટે તમામ સ્તરે આખરી ઓપ અપાઈ રહ્યો છે અને આવતીકાલથી માતાજીની આરાધનાનો પ્રારંભ થશે. ’આજ ગગનથી ચંદન ઢોળાય રે, સૈયર મોંને આસોના ભણકારા થાય..’ આદ્યશક્તિની ભક્તિના પાવન પર્વ નવલા નોરતાને હવે ગણતરીના કલાકો જ આડા રહ્યા છે. ગુરૂવારથી નવરાત્રિના પ્રારંભ સાથે સમગ્ર ગોહિલવાડ માંઈભક્તિમાં લીન બની જશે. નવરાત્રિને લઈ બજારમાં લોકોની ભીડ વધી છે. તો માતાજીના મંદિર, મઢોમાં નવરાત્રિની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઓણ સાલ પ્રોેફેશનલ ગરબાને મંજૂરી ન મળી હોવાથી શેરી ગરબાઓની રમઝટ જામશે. શહેર-જિલ્લામાં ૨૦૦થી વધુ જગ્યાએ શેરી ગરબાના આયોજન કરાયા છે.ભક્તિ અને શક્તિની ઉપાસનાના મહાપર્વ આસો નવરાત્રિનો તા.૭-૧૦ને ગુરૂવારથી ધર્મમય માહોલમાં આરંભ થશે. ગુરૂવારે તમામ પ્રાચીન-અર્વાચીન માંઈ મંદિરો અને માતાજીના મઢોમાં શાસ્ત્રોકત વિધિ-વિધાન સાથે ઘટ સ્થાપન કરી સાત નવા ધાન્યના જવારા ઉગાડવામાં આવશે. માંઈભક્તો દ્વારા નવદુર્ગાના નવ સ્વરૂપની પૂજા-અર્ચના કરાશે. આ વર્ષે ચોથની તિથિનો ક્ષય હોવાથી આઠ નોરતા જ થશે. જો કે, માતાજીના મઢોમાં પરંપરાગત રીતે નવ નોરતાની જ ઉજવણી કરવામાં આવશે. ભક્તો દ્વારા ઉપવાસ કરી માતાજીના ગુણગાન ગવાશે.
આ વર્ષે ગરબાના જાહેર કે પ્રોફેશનલ આયોજનો ન હોવાથી ડી.જે.-ઓરકેસ્ટ્રાના તાલ સાથે ખેલૈયાઓ ઝૂમતા જોવા મળી શકશે નહીં. જો કે, શહેર-જિલ્લામાં ઠેક ઠેકાણે શેરી ગરબાના કાર્યક્રમો ગોઠવી દેવાયા છે. જ્યારે લુપ્ત થવા જઈ રહેલી ભવાઈ નાટકની સંસ્કૃતિથી નવી પેઢીને અવગત કરવા માટે ભવાઈ મંડળો દ્વારા શ્રધ્ધા અને આસ્થા સાથે જીવના જોખમે ભવાઈ નાટક ભજવવામાં આવશે. નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરો, મઢોને લાઈટ ડેકોરેશન વગેરેથી સુશોભિત કરાશે. સવાર-સાંજ માતાજીની આરતી, માતાજીના બાળ સ્વરૂપ સમાન નાની દીકરીઓના ગરબાના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આજથી સમગ્ર ગોહિલવાડ માંઈભક્તિમાં લીન બની જશે ત્યારે નવરાત્રિ આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. જેના કારણે માતાજીની ચુંદડી, શણગાર, હાર, રંગબેરંગની ઈલેક્ટ્રીક સિરીઝ, લેમ્પ સહિતની વસ્તુની ખરીદી કરવા માટે બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.

Previous articleનારી નજીકના તળાવ અને ૨૫ જેટલા કુવાઓનું પાણી લાલ થતા ગ્રામજનો પરેશાન
Next articleવન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો