તા. ૩૦-૦૪-૨૦૧૮ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે જીલ્લો અરવલ્લી સર્વશિક્ષા અભિયાન સમગ્ર આર. ટી. બી. આર. પી. આઈ. ડી. શાખાનાં આઈ. ડી. અમિતભાઈ કવિના નેતૃત્વ હેઠળ પધારેલ ટીમે જીલ્લાનું ઘરેણું એવી અંધ ઉદ્યોગ શાળાની મુલાકાત લઇ ભાવનગર ખાતે રાજ્યના વિકલાંગતા ક્ષેત્રનાં અનેક પ્રશ્નો-પડકારોનાં ઉકેલ માટે સંગઠિત પ્રયત્નોનું નેતૃત્વ લઇ સરાહનીય કાર્ય કરવા બદલ આજ રોજ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા-ભાવનગર ખાતે ઉપસ્થિત રહી સામે ચાલી સંસ્થાના સંચાલક અને રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગરના માનદ્દ મંત્રી લાભુભાઈ સોનાણીને સન્માનપત્ર અર્પણ કરી તેઓએ વિકલાંગતા ક્ષેત્રે કરેલી સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે અરવલ્લી ગ્રૂપ દ્વારા તેમને મળેલ વિશિષ્ટ સેવા બદલ ડો. મુકેશભાઈ પરમારનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ પદે ભાવનગર સીટીઝન કાઉન્સિલના પ્રમુખશ્રી બકુલભાઈ ચાતુર્વેદી ખાસ ઉપસ્થિત રહી એસ.એસ.એ-અરવલ્લીની આ વિશિષ્ટ પ્રવૃત્તિને પોતાના પ્રવચનમાં બિરદાવી હતી.
સંસ્થાવતી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના માનદ્ મંત્રી મહેશભાઇ પાઠકે આ પ્રકારના અભિવાદન માટે સામે ચાલી સંસ્થામાં પધારવા બદલ અરવલ્લી જિલ્લાના તમામ વિશિષ્ટ શિક્ષકોનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ બારૈયા, હસમુખભાઈ ધોરડા, મંજરીબેન ચાતુર્વેદી અને કિશોરભાઈ પંડયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અમિતભાઈ કવીએ કર્યું હતું જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કર્મચારીઓએ જહેમત ઊઠાવી હતી.