ખેડા જિલ્લામાંથી રાજપરા ખોડિયાર ધામ દર્શને આવી રહેલા શ્રદ્ધાળુઓની કારને આઇશરે ટક્કર મારી, 4 દર્શનાર્થીઓ ઇજાગ્રસ્ત

893

અમદાવાદ શોર્ટરૂટ પર માઢીયા નજીક વહેલી પરોઢે અકસ્માત થયો
આજથી નવરાત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે. પ્રથમ નોરતાં નિમિત્તે ખેડા જિલ્લાના માતર તાલુકામાંથી ભાવનગર રાજપરા ખોડિયાર મંદિર ખાતે દર્શને આવી રહેલા શ્રદ્ધાળુઓની ઈકો કારને ભાલ પંથકમાં આઈસર ટેમ્પાએ ટક્કર મારતા ઈકો કારમાં સવાર ચાર શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી હતી. સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, આજરોજ નવલાં નોરતાં લનો પ્રથમ દિવસ હોય જે અન્વયે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભાવનગર જિલ્લામાં આવેલા રાજપરા ખોડિયાર મંદિર ઊંચા કોટડા ચામુંડા શક્તિ પીઠ મહુવા ભવાની મંદિર ભગુડા મોગલધામ સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો નો ગત રાતથી જ પ્રવાહ શરૂ થયો છે ત્યારે ગુજરાતના ખેડા જિલ્લાના માતર તાલુકાથી કેટલાક શ્રદ્ધાળુઓ ઈકો કાર ભાડે કરી ભાવનગર જિલ્લામાં આવેલા રાજપરા ખોડિયાર મંદિરે દર્શને આવી રહ્યાં હતાં.

આ શ્રદ્ધાળુઓની કાર ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પરથી ભાવનગર તરફ આગળ વધી રહી હતી એ દરમ્યાન વહેલી પરોઢે માઢીયા ગામ નજીક નિરમાના પાટીયા પાસે એક આઈસર ટેમ્પાના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને બેફિકરાઈ પૂર્વક ચલાવી ઈકો કાર સાથે અથડાવતા કારમાં સવાર ચાર દર્શનાર્થીઓને નાનીમોટી ઈજા પહોંચી હતી. આ ઘટનામાં આઈસર રોડ સાઈડમાં પલ્ટી ખાઈ ગયો હતો. જયારે કારને પણ મોટું નુકસાન થયું હતું. વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં દર્શનાર્થીઓને રાહદારીઓએ સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

Previous articleભક્તિ તથા શક્તિના મહાપર્વ નવલાં નોરતાંનો આરંભ,પહેલાં નોરતે મંદિરોમાં ભાવિકો દર્શનાથે ઉમટ્યા
Next articleભાવનગર ખાતે વિસ્તરણ પામનાર નવા સર્કિટ હાઉસનું ઇ-ખાતમૂહૂર્ત કરતાં મુખ્યમંત્રી