ભાવનગર શહેરમાં કંસારા પ્રોજેકટના વિરોધમાં ગઈકાલે સાંજે ભાવનગર ઝુંપડા સંઘ દ્વારા વિશાળ રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને મહાપાલિકાનો ઘેરાવ કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. કંસારા શુધ્ધિકરણ પ્રોજેકટમાં ફેર વિચારણા કરવા મેયર સહિત ્પ્રશ્ને જવાબદાર અધિકારીઓને ભાર પૂર્વકની રજુઆતો કરવામાં આવી હતી. દબાણ હટાવવામાં આવે તો અનેક લોકો બેઘર થાય તેમ છે તેથી ઝુંપડાવાસીઓ વિરોધ કરી રહ્યા છે. અને વૈકલ્પિક માંગણીઓ કરવામાં આવી રહી છે. આ અગાઉ કોંગ્રેસ અને સીપીએમ દ્વારા મીટીંગો સભાઓ, રેલીઓ અને આવેદનપત્રો આપવામાં આવ્યા છે. અને યોગ્ય કરવા માંગ પણ ઉઠવા પામી છે. ગઈકાલે શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતેથી સાંજે ભાવનગર ઝુંપડા સંઘ દ્વારા કંસારા શુધ્ધિકરણ પ્રોજેકટના વિરોધમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને પગપાળા મહાપાલિકાની કચેરીએ ઝુંપડાવાસીઓ પહોંચ્યા હતાં. આશરે ર૦૦ લોકો રેલીમાં જોડાયા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતાં. આ રેલીમાં મહિલાઓ બહોળી સંખ્યામાં હતી. ઝુંપડાવાસીઓએ મનપાની કચેરીનો ઘેરાવ કર્યો હતો. કોઈ અનીચ્છીનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહાપાલિકાની કચેરીમાં આવેદન આપવા માટે કેટલાક અગ્રણીઓને જવા દેવામાં આવ્યા હતા, જયારે અન્ય લોકો મનપાની બહાર બેસ્યા હતાં. કંસારા શુધ્ધિકરણ પ્રોજેકટમાં ફેર વિચારણા કરવા મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, કમિશનર વગેરેને રજુઆત કરવામાં આવી હતી. કંસારા શુધ્ધિકરણ પ્રોજેકટમાં કરાયેલ સુધારણા અધૂરી અને અસરગ્રસ્તો સાથે ચર્ચા કર્યા વિના અન્યાયી રીતે કરાયેલ છે અને તેથી ફેર વિચારણા જરૂરી છે. બોરતળાવથી તળાજા પૂલ સુધી મોટા માથા અને મકાનોને બચાવી લેવા પ્રોજેકટની પહોળાઈ માત્ર ૩૦ મીટર કરાઈ છે, જયારે ગરીબ વસવાટ ધરાવતા તળાજા પુલથી લંબે હનુમાન સુધી ૩૬ મીટર, લંબે હનુમાનથી રજપૂત વાડા પુલ સુધી ૪૦.૭ મીટર અને રજપુત વાડા પુલથી તિલકનગર સુધી ૪૪ મીટર રાખવામાં આવેલ છે. પરિણામે સેંકડો રહેણાંકી મકાન ધરાવનારા ઘરબાર વગરના થશે, વળી આ સમગ્ર પ્રોજેકટમાં વેકલ્પીક વ્યવસ્થાની કોઈ જોગવાઈ રાખવામાં જ આવી જ નથી. આ વિસ્તારનો સર્વે કરવામાં આવેલ નથી તેથી સર્વે કરવામાં આવે, એક સરખી પહોળાઈ રાખવામાં આવે, વૈકલ્પીક રહેણાંકની વ્યવસ્થા કરવામાં આવે સહિતની માંગણી કરવામાં આવી છે.