જીનીવા,તા.૭
વિશ્વમાં દર વર્ષે ચાર લાખ લોકોનો ભોગ લેતા રોગચાળા મેલેરીયાને નાથવા માટેના ઉપાયોમાં વૈજ્ઞાનિકોને પ્રથમ સફળતા મળી છે. વિશ્વની પ્રથમ મેલેરીયા વિરોધી રસીને વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ) દ્વારા માન્યતા આપવામાં આવી છે. બાળકોમાં હવે તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવાનું પણ સૂચવ્યું છે.મેલેરીયા વિરોધી રસીને ત્રણ દાયકાના સંશોધન તથા એક અબજ ડોલરના રોકાણ-ખર્ચ બાદ હવે છેવટે સફળતા મળી છે. ગ્લેકસો સ્મીથકલાઈન દ્વારા વિકસીત કરાયેલી આ રસીને આફ્રિકા સહિતના મેલેરીયાનો વધુ લોડ ધરાવતા ઉપખંડોમાં વ્યાપક મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવા વિશ્વ આરોગ્ય સંગઠને ભલામણ કરી છે. મેલેરીયા સામેની લડાઈમાં આ રસી ‘મોટો ટર્નિંગ પોઈન્ટ’ બનવાનો દાવો કરવામાં આવ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું કે ઘાના, કેન્યા, મલાવી જેવા દેશોમાં છેલ્લા ત્રણ વર્ષથી ૮ લાખ બાળકો પર કરાયેલા અભ્યાસના સંતોષકારક પરિણામોના આધારે રસીને માન્યતા આપવામાં આવી છે. અને આ એક ઐતિહાસિક ક્ષણ બની છે. આ રસીથી મેલેરીયા રોગચાળાથી પીડાતા આફ્રિકી દેશોને મોટો લાભ થશે. આફ્રીકી દેશોનાં બાળકો મોતના મુખમાંથી બચી જશે. ‘મોસ્કીરીક’ નામક આ રસી ૧૯૮૭માં ગ્લેકસોસ્થીકલાઈને જ વિકસીત કરી હતી છતાં ૩૦ ટકા જ અસરકારક હતી. ઉપરાંત ચાર ડોઝ લેવા પડતા હતા. રક્ષણ થોડા મહિનામાં જ સમાપ્ત થઈ જતુ હતું. મેલેરીયાનો સૌથી વધુ કહેર આફ્રિકી દેશોમાં જ છે. જયાં વર્ષે ૨૦ કરોડ કેસો નોંધાય છે. હવે આ નવી રસી રક્ષાકવચ બનવાનો આશાવાદ છે. વિશ્વમાં વર્ષે ચાર લાક લોકોનો ભોગ લેવાય છે તેમાં મોટાભાગે આફ્રિકી દેશોમાં થાય છે.