આજના મેગા કેમ્પમાં ૧,૫૦૫ લાભાર્થીઓએ લાભ લીધો : કાયદા સમક્ષ સૌની સમાનતા એટલે કે ’સર્વને સમાન ન્યાય’ એ ભારતીય બંધારણની મહત્વપૂર્ણ લાક્ષણિકતા છે : જિલ્લા ન્યાયાધીશ આર.ટી. વાચ્છાણી
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ,દિલ્હીના આદેશ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવાસત્તા મંડળ, અમદાવાદની સૂચના મુજબ પાન ઇન્ડિયા અવેરનેસ અને આઉટરિચ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા મોતીબાગ ખાતે આવેલ અટલ બિહારી બાજપેઈ ઓડિટોરિયમ ખાતે મેગા લીગલ સર્વિસીસ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પના શુભારંભ પ્રસંગે જિલ્લા ન્યાયાધીશ આર.ટી. વાચ્છાણી સહિત જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ અધિકારી જયપાલસિંહ રાઠૌર, જિલ્લા અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા આ કેમ્પનો શુભારંભ કરાવતાં જિલ્લા ન્યાયાધીશ આર.ટી. વાચ્છાણીએ જણાવ્યું કે, ભારતીય બંધારણમાં ભારતના તમામ નાગરિકોને ન્યાયની સમાનતા આપવામાં આવી છે. સર્વને સમાન ન્યાય અને ન્યાય સમક્ષ સૌની સમાનતા એ ભારતીય બંધારણનો મૂળભૂત મંત્ર છે.
મુખ્ય ન્યાયાધીશ જણાવ્યું કે, ભારત વિવિધતા ધરાવતો દેશ છે.છતાં, આ વિવિધતા વચ્ચે પણ કાયદાની સમાનતા એ ભારતીય બંધારણની આગવી લાક્ષણિકતા છે. ભારતના બંધારણના રચયિતાઓએ સમાજના છેવાડાના માનવીને પણ ધ્યાનમાં રાખી કાયદાનું સમાન રક્ષણ મળે તે માટે જે સ્વપ્ન સેવ્યું હતું તે આવાં મેગા કેમ્પ દ્વારા વાસ્તવમાં ચરિતાર્થ થાય છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. કાયદાથી જાણકાર ના હોય તેવા લોકો સુધી પણ આ કાયદાનું હાર્દ પહોંચે અને કાયદાથી તેને મળવાપાત્ર લાભો મળે તે માટે ન્યાયતંત્ર કટિબદ્ધ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ કેમ્પમાં વિવિધ વિભાગોને લગતા સ્ટોલ ગોઠવવામાં આવ્યાં હતાં જ્યાં લાભાર્થીઓને તેમના પ્રશ્નોનું સમુચિત સમાધાન પુરુ પાડવામાં આવ્યું હતું. આજના મેગા કેમ્પમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને અને મુલાકાતીઓને લાભ આપવામાં આવ્યો હતો. કુલ ૧,૫૦૫ લાભાર્થીઓને વિવિધ યોજના નીચે લાભ તેમજ કાયદાકીય જાગૃતતા લાવવામાં આવી હતી. આ કેમ્પમાં ભાવનગરના વકીલો વરિષ્ઠ નાગરિકો તથા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.