નવી દિલ્હી,તા.૮
બોલીવુડ અને ક્રિકેટ જગત વચ્ચેનો પ્રેમ કોઈનાથી છુપાયેલો રહ્યો નથી. કેટલાક ક્રિકેટર્સે બોલીવુડ એક્ટ્રેસ સાથે લગ્ન કર્યા છે, તો કેટલાક ક્રિકેટર સિલ્વર સ્ક્રિન પર પોતાની કલાનું પ્રદર્શન કરી ચુક્યા છે. ક્રિકેટ જગતના ૧૫ ખેલાડીઓ બોલીવુડમાં પોતાની અદાકારી બતાવી ચુક્યા છે. ક્રિકેટ જગતમાં ખ્યાતનામ ખેલાડી ધોની ક્રિકેટ ગ્રાઉન્ડની સાથે ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. ધોની ડેવિડ ધવનની ફિલ્મ હુક યા ક્રુકમાં કામ કરી ચુક્યા છે. આ ફિલ્મ ક્રિક્ટ થીમ પર બેઝ્ડ એક થ્રિલર ડ્રામા હતી. મહત્વની બાબતએ છે કે મોટાભાગના લોકો નથી જાણતા કે ધોની ફિલ્મમાં કામ કરી ચુક્યા છે, કેમ કે આ ફિલ્મ રીલિઝ થઈ નથી. ભારતના ૨૦૦૭ ટી-૨૦ વર્લ્ડકપ અને ૨૦૧૧ ક્રિકેટ વર્લ્ડકપની જીતમાં હીરો રહેલા ક્રિકેટર યુવરાજ સિંહે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે બે ફિલ્મો ‘મેહંદી સજણ દી’ અને ‘પટ સરદાર’માં પણ કામ કર્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિન બોલર હરભજન સિંહ હાલમાં ક્રિકેટથી દૂર છે. વર્ષ ૨૦૨૦માં હરભજન સિંહે તમિલ ફિલ્મ ફ્રેંડશિપથી ડેબ્યુ કર્યું હતું. આ પહેલા પણ હરભજન ગેસ્ટ અપિયરંસમાં નજર આવી ચુક્યા છે. ભારતને પહેલીવાર ક્રિકેટ વર્લ્ડ કપ આપનાર ભારતીય ક્રિકેટર કપિલ દેવ મુજસે શાદી કરોગી, ઇકબાલ, સ્ટંપ્ડ અને ચેન ખુલી કી મેન ખુલી જેવી ફિલ્મોમાં નજર આવી ચુક્યા છે. હવે તેમના પર આધારિત એક ફિલ્મ ૮૩ બનાવવામાં આવી રહી છે, જેમાં દિપીકા અને રણવીર જોવા મળશે. ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ૧૦ હજાર રનના આંકડાને પાર કરનાર ભારતીય ખેલાડી સુનિલ ગાવસ્કરે મરાઠી ફિલ્મ સાંવલી પ્રેમાચી અને હિંદી ફિલ્મ માલામાલમાં કામ કર્યું છે.
વર્ષ ૨૦૦૨માં રિલીઝ થયેલ ફિલ્મ ’અનર્થ’માં વિનોદ કાંબલી કામ કરી ચુક્યા છે. સંજય દત્ત અને સુનિલ શેટ્ટી સ્ટારર આ ફિલ્મમાં વિનોદ સુનિલ શેટ્ટીના મિત્રના પાત્રમાં જોવા મળ્યા હતા. ઇરફાન પઠાણ હવે અજય નાનામુથુ દિગ્દર્શિત ’વિક્રમ ૫૮’માં ખ્યાતનામ અભિનેતા ચિયાન વિક્રમ સાથે દેખાશે. ફિલ્મનું સંગીત એઆર રેહમાન દ્વારા આપવામાં આવ્યું છે. તેંડુલકર પોતાના જીવન પર બનેલી ફિલ્મ સચિન-અ બિલિયન ડ્રીમ્સમાં નજરે પડ્યા. અજય જાડેજાએ સની દેઓલ, સેલિના જેટલી અને સુનિલ શેટ્ટી સાથે ફિલ્મ ખેલમાં એક્ટિંગ કરી હતી. જો કે આ ફિલ્મે સારું પ્રદર્શન કર્યું નહોતું. શ્રીસંતે ઘણા ટીવી શૉ અને ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે બોલીવુડ ફિલ્મ અક્સર-૨માં દેખાઈ ચુક્યા છે. સલિલ અંકોલાએ ટીવી સિરીયલો સિવાય કેટલીક બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સંદિપ પાટિલે વર્ષ ૧૯૮૫માં આવેલી ફિલ્મ ’કભી અજનબી થે’ થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રી પૂનમ ઢીલ્લનની અપોઝીટ સંદિપને હીરો કાસ્ટ કરવામાં આવ્યા હતા. ક્રિકેટર સૈયજ કિરમાની આ ફિલ્મમાં વિલનની ભુમિકામાં નજર આવ્યા હતા અને વેસ્ટ ઈન્ડીઝના ક્રિકેટર ક્લાઈવ લોયડ આ ફિલ્મમાં ગેસ્ટ અપિરીયન્સમાં નજર આવ્યા હતા. આ સિવાય ભારતીય ક્રિકેટર સલીમ દુર્રાની અને દિનેશ મોંગિયા પણ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.