નવી દિલ્હી, તા.૯
પીએમ મોદીને મળેલી ભેટ સોગાદોની દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈ હરાજી કરવામાં આવી હતી. જેમાંથી મળેલી રકમ ગંગા સફાઈ અભિયાનમાં વપરાશે. આ વર્ષની હરાજી પુરી થઈ ગઈ છે અને તેમાં સૌથી વધારે રકમ ટોકિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર નિરજ ચોપરાના ભાલા માટે બોલાઈ છે. નિરજ ચોપરાનો ભાલો દોઢ કરોડમાં વેચાયો છે. બીજા ક્રમે ટોકિયો ઓલિમ્પિકમાં તલવારબાજીમાં પહેલી વખત સ્થાન મેળવીને પહેલા રાઉન્ડમાં જીતનાર ભવાની દેવીની તલવાર રહી છે. જેના માટે સવા કરોડ રૂપિયા કિંમત મળી છે. ટોકિયો પેરાલિમ્પકમાં પણ ભાલા ફેંકમાં સુમિત અંતિલે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેનો ભાલો ૧.૦૨ કરોડમાં વેચાયો છે. પેરાલિમ્પિકમાં તમામ ખેલાડીઓએ સાઈન કરેલા અંગવસ્ત્ર માટે એક કરોડ રૂપિયા બોલી લાગી છે. મહિલા બોક્સર અને ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ વિજેતા લવલીના ગોહેનના ગ્લોવ્ઝ ૯૧ લાખ રૂપિયામાં વેચાયા છે. ટોકિયો ઓલિમ્પિકમાં તમામ ખેલાડીઓના સહીવાળા કાપડના ૯૦ લાખ રૂપિયા ઉપજયા છે. પેરાલિમ્પિકમાં ભારતને ગોલ્ડ અપાવનાર કૃષ્ણા નાગરનુ સહીવાળુ રેકેટ ૮૦ લાખથી વધારે રકમમાં વેચાયુ છે. દાયકાઓ બાદ બ્રોન્ઝ મેડલ જીતનાર પુરુષ હોકી ટીમના ખેલાડીઓએ સાઈન કરેલી હોકીની ૮૦ લાખમાં હરાજી થઈ છે. સેમિ ફાઈનલમાં પ્રવેશનાર મહિલા હોકી ટીમની સહીવાળી હોકી સ્ટિકના પણ ૮૦ લાખ ઉપજ્યા છે.
પેરાલિમ્પિકમાં ભારતને ગોલ્ડ જિતાડનાર પ્રમોદ ભગતનુ રેકેટ ૮૦ લાખમાં વેચાયુ છે.