પાલીતાણા કોર્ટ દ્વારા મંદબુદ્ધિના વ્યક્તિઓ માટે અનાજની કીટનું વિતરણ : મંદબુદ્ધિના વ્યક્તિઓને સહારો આપનારા સંચાલકનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું
પાલીતાણા તાલુકા સેવા સમિતિ દ્વારા ’ન્યાય સૌના માટે’ અભિયાન અંતર્ગત પાલીતાણાના આદપુર ખાતે ’વિશ્વ મેન્ટલ દિન’ નિમિત્તે મંદ બુદ્ધિ આશ્રમની મુલાકાત લઈ જરૂરી સહાય- મદદ કરવામાં આવી હતી. માનસિક રીતે અસ્વસ્થ કે વિકલાંગ વ્યક્તિઓ પણ આપણાં સમાજનો જ એક હિસ્સો છે. પોતાની રીતે નિર્ણય લેવા અસક્ષમ આવાં લોકોની વિશેષ કાળજી લેવી જરૂરી છે. તેને અનુલક્ષીને પ્રતિવર્ષ આજના દિવસે ’વિશ્વ મેન્ટલ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને અનુલક્ષીને પાલીતાણા કોર્ટ દ્વારા મંદબુદ્ધિના વ્યક્તિઓ માટે અનાજની કીટનું વિતરણ તથા મંદબુદ્ધિના વ્યક્તિઓને સહારો આપનારા સંચાલક ભીખાભાઇનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલમાં ભાવનગર જિલ્લા કાનૂની સેવા સમિતિના માર્ગદર્શન અંતર્ગત હાલ ’આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. પાલીતાણા કાનૂની સેવા સમિતિ દ્વારા આજના દિવસે માનસિક અસ્વસ્થ લોકોના કલ્યાણ માટે માર્ગદર્શન સાથે પાલીતાણા કોર્ટના જજ પટેલ અને અગ્રવાલ સાહેબ સાથે કોર્ટ પરિવારમાંથી કરણભાઈ તેમજ મકસુંદભાઈ અને પેરાલીગલ વોલેન્ટીયર નાથાભાઇ ચાવડા દ્વારા અનાજની કીટ તથા જીવન જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ મેન્ટલ દિવસની ઉજવણી અવસરે મંદ બુદ્ધિ આશ્રમમાં ફ્રુટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આમ, કાયદાનું રક્ષણ કરનારા રખેવાળોએ મંદબુદ્ધિના વ્યક્તિઓને હુંફ અને સધિયારો જોઈએ છે તેને ધ્યાનમાં રાખીને આવાં લોકોને મદદરૂપ થવા રજાના દિવસે પણ દાખલારૂપ કામગીરી કરી ખરા અર્થમાં વિશ્વ મેન્ટલ દિનની ઉજવણી સાર્થક બનાવી હતી.