શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે જિલ્લાના વિકાસનો રોડમેપ નિર્ધારિત કર્યો

3835

જિલ્લાનાં સ્કાઉટ ગાઈડનાં રાજ્યકક્ષાએ સિધ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનિત કરતાં શિક્ષણ મંત્રી
ભાવનગર શહેરનાં સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સમીક્ષા બેઠક યોજી હતી. જે બાદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ભાવનગર શહેર તથા જિલ્લાના વિકાસના રોડ મેપને નિર્ધારિત કરતી સમીક્ષા બેઠક યોજી હતી.
શિક્ષણ મંત્રીએ આ બેઠકમાં જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવી લોકોને શાંતિ અને સલામતીનો અહેસાસ થાય તેવી વ્યવસ્થાઓ બનાવવા માટે તેમજ કાયદો વ્યવસ્થા બાબતે કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરવાં માટે રેન્જ આઇ.જી અને જિલ્લા પોલીસ અધિકારીને તાકીદ કરી હતી.મંત્રીએ ભાવનગર શહેર તથા જિલ્લાના પ્રગતિમાં રહેલાં રોડના કાર્યોમાં ગુણવત્તા બાબતે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવાં તથા તે બાબતે સખ્તાઈથી કામ કરવાં માટે કમિશ્નર સહિતના અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે રોડની ગુણવત્તાની ચકાસણી કરવા માટે મહાનગર અને જિલ્લા પંચાયતે પોતાની અલગથી ગુણવત્તા ચકાસણી લેબ બનાવે તે માટે સૂચન કર્યું હતું. તેમણે કોન્ટ્રાક્ટરોને જરૂરી ના હોય તો વધારાના એક્સ્ટેન્શન ન આપવા તથા રોડ-રસ્તાના કામ તેની નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે પણ તાકીદ કરી હતી. મંત્રીએ ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલાં નુકસાનના સર્વે સહિતની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાં અને ખેડૂતોને મળવાપાત્ર લાભો ઝડપથી મળી જાય તે માટેની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચના આપી હતી. વિકાસના કામોમાં ઝડપ લાવવા તથા દર મહિને તેનો પ્રગતિ રીપોર્ટ બનાવી ઉચ્ચકક્ષા સુધી પહોંચે તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે તેમને માર્ગદર્શન આપ્યું હતું. સામાન્ય જનતાને સ્પર્શતા પ્રશ્નો – સમસ્યાઓમાં સરળતા આવે અને કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે વ્યવસ્થા ગોઠવવા માટે પણ તેમણે જરૂરી માર્ગદર્શન ઉપસ્થિત અધિકારીઓને આપ્યું હતું. શિક્ષણ મંત્રીએ આરોગ્ય વિભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રોની વ્યવસ્થાઓ વધુ સુદ્‌ઢ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકી જણાવ્યું કે, અત્યારે ચોમાસાની ઋતુના કારણે વાહક જન્ય રોગનો રોગચાળો માથું ઊચકે છે ત્યારે દરેક ઘર સુધી સ્વચ્છતા અને આરોગ્યની સુવિધાઓ પહોંચે તેને પ્રાથમિકતા આપવાની હિમાયત તેમણે કરી હતી.આ બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર.સી.મકવાણા, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, મ્યુનિસિપલ કમિશ્નર એમ.એ.ગાંધી, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, નગરપાલિકા નિયામક અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, એસ.પી. જયપાલસિંહ રાઠૌર ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleપાલીતાણા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ’વિશ્વ મેન્ટલ દિન’ની વિશેષ ઉજવણી કરવામાં આવી
Next articleશિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીનું ભાવેણાની ધરતી પર અભૂતપૂર્વ સ્વાગત