ભાવનગર નાગરિક સમિતિ દ્વારા શિક્ષણ મંત્રીનું સ્વાગત- અભિવાદન સમારોહમાં ૪૦૦થી વધુ સંસ્થાઓ જોડાઈ : નકારાત્મકતાને છોડી સકારાત્મક વિચારોથી જીવનને ઉન્નત દિશામાં લઈ જઈ શકાય છે : શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી
રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી બન્યાં બાદ પોતાના માદરે વતન એવાં ભાવનગરની ધરતી પર પ્રથમવાર પધારેલા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીનું નાગરિક સમિતિ દ્વારા સ્વાગત સત્કાર સમારોહમાં ૪૦૦ થી વધુ સંસ્થાઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ભાવનગર નાગરિક સમિતિ દ્વારા સરદારનગર ખાતે આવેલાં મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે મંત્રીના સ્વાગત -સત્કાર માટે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જે પ્રેમ અને ઉમળકાથી પોતાને આવકાર આપ્યો છે તે માટે ઋણ સ્વીકાર કરીને ભાવનગરની જનતાનો આભાર માન્યો હતો.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે પ્રતિષ્ઠા પોતાની રીતે સમયે- સમયે આવતી હોય છે અને જતી હોય છે. પરંતુ નકારાત્મકતા ત્યજીને સકારાત્મકતા સાથે જીવનમાં આગળ વધે તેનાથી જ જીવનમાં પ્રગતિ અને ઉન્નતિ આવતી હોય છે.
તેઓ કોઈ બાબતેનો અભાવ પણ અનુભવતા નથી અને કોઈના પ્રભાવમાં પણ આવ્યા વગર પોતાની મતિ શક્તિ મુજબ અને જનતાના આશીર્વાદ સાથે રાજ્યના વિકાસને નવી ઉંચાઈઓ સુધી લઈ જવા માટે એવો પ્રયત્નશીલ છે. સત્તા એ સેવા માટે હોય છે. ખુરશી પર આપણે બેસવાનું હોય છે નહીં કે ખુરશી આપણાં પણ બેસી જાય તેમ જણાવી તેમણે કહ્યું કે,સત્તા આવવાથી મદમાં રાચવું એ અમારો સ્વભાવ નથી. સમર્પણ ભાવથી જનતાની સેવામાં રત રહેવું એવાં સંસ્કારો અમે કેળવ્યા છે. મારા સત્કાર માટે આટલી મોડી રાત સુધી નગરના શ્રેષ્ઠીજનો ઉપસ્થિત હોય એ મારાં માટે ગૌરવની વાત છે.ગઇકાલે પણ હું તમારો હતો.તમારી વચ્ચેનો હતો. આજે પણ હું તમારો જ છું.તમારા પ્રેમ અને આશીર્વાદને લીધે આજે જે જગ્યાએ પહોંચ્યો છું, ત્યાંથી આપના માટે બને તે શક્ય બનશે તે કરવાની કોશિશ કરવાની મારી જવાબદારી છે. કોઈપણ વ્યક્તિને પોતાના જન્મ સ્થળ અને કર્મસ્થળનું ગૌરવ હોય છે અને જ્યારે તે સ્થળ પર જ પોતાનું સન્માન થાય એ ભાવના અદકેરી હોય છે. આપ સૌ મને એ માટે લાયક સમજ્યો છે તે માટે હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ ડો.ભારતીબેન શિયાળ, મેયર કીર્તિબાળા દાણીધારિયા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, મ્યુનિસિપલ કમિશ્નર એમ.એ.ગાંધી, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, એસ.પી. જયપાલસિંહ રાઠૌર, જિલ્લા શિક્ષણાધિકારી એન.જી.વ્યાસ, ભાવનગરના શ્રેષ્ઠીઓ, પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ જિલ્લાનાં સંતો-મહંતો આ પળને સાક્ષી બન્યા હતાં.