ભાવનગર મહાનગરપાલિકાના મેયર કીર્તિબેન દાણીધારીયાએ આરતીમાં ઉપસ્થિત રહી શીશ ઝુકાવ્યું
શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે ભૂંગળના સુર, મશાલ, ચામર સાથે છડી પોકારી થતી આરતીની અનુભૂતિ અદ્દભુત હોય છે. દરરોજ ભાવિકો, યાત્રિકો લાભ લઇ રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાના મેયર કીર્તિબેન દાણીધારીયાએ પણ આરતીમાં ઉપસ્થિત રહી શીશ ઝુકાવ્યું હતું.
નવરાત્રી એટલે રાસોત્સવ તેવી માન્યતા પ્રચલિત બનતી જાય છે પરંતુ આ દિવસો માતાજીની ભક્તિ, અનુષ્ઠાન સાથે રાત્રીજગાના છે. માતાજીની ગરબી ચોકમાં પધરાવી ફરતે ગરબા લેવા તે પ્રાચીન પરંપરા છે જે આજે પણ ગ્રામ્ય સંસ્કૃતિમાં જળવાઇ છે, ચોકમાં માતાજીની ગરબી પધરાવી ભક્તિ કરવા ઉપરાંત ભવાઈનો અંશ -નાટકો રમી ગ્રામ્ય કલાકારો સામાજીક સંદેશો પાઠવવાનું કામ વર્ષોથી કરતા આવ્યાં છે. ધાર્મિક, ઐતિહાસિક કથાઓ વણી લેતા પાત્રો રજૂ કરી ઇતિહાસને લોકભોગ્ય બનાવાનું કાર્ય થઈ રહ્યું છે. ત્યારે ભંડારિયામાં નવરાત્રી મહોત્સવમાં દરરોજ માતાજીની ભવ્ય આરતી બાદ પ્રાચીન પરંપરા મુજબ દરરોજ રાત્રીના અહીંના શક્તિ થિયેટર્સના રંગ મંડપમાં ધાર્મિક, સામાજીક, ઐતિહાસિક નાટકો ભજવવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે ભાવિકોએ સામેલ થઈ ધન્યતા અનુભવી હતી.