ભાવનગર જિલ્લાના પરવડી ખાતે શિક્ષક ભાવવંદના સમારોહ સંપન્ન થયો

322

ભાવનગર જિલ્લાના શિક્ષણવિદ શ્રી તખુભાઈ સાંડસુર ના જ ૬૧માં જન્મદિવસને નિમિત્ત બનાવીને રાજ્યભરમાં ત્રણ સ્થળે શિક્ષક ભાવ વંદના દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર જિલ્લા નું આયોજન પરવડી ખાતે સંપન્ન થયું. આ કાર્યક્રમમાં ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ અને સુરેન્દ્રનગરના શિક્ષકોએ હાજરી આપી.
તખુભાઈ સાંડસુરે કહ્યું જન્મદિવસ માત્ર નિમિત્ત છે પણ આપણે શૈક્ષણિક ગુણવત્તા અને સમપૅણભાવથી થતાં કર્મનું પુજન કરી રહ્યા છીએ.આ સમારોહના પ્રમુખ સ્થાનેથી સંબોધન કરતા શિક્ષણવિદ શ્રી ગિજુભાઈ ભરાડ જણાવ્યું કે નવી શિક્ષણ નીતિ આપણા મૂલ્યોને ઘડવામાં અને શિક્ષણનું સમગ્ર દાયિત્વ નિભાવવામાં સફળ નીવડશે તેવી શ્રદ્ધા છે. શિક્ષક હંમેશા સકારાત્મક વિચારતો રહ્યો છે.આવો સુંદર મજાનો કાર્યક્રમ યોજવા બદલ સંવાહકોને તેમણે અભિનંદન આપ્યાં હતાં. રામચરિતમાનસના પ્રવક્તા અને અધ્યાપક ડો.શ્રી રામેશ્વરદાસબાપુ હરિયાણી એ કહ્યું કે આ દેશનું ઘડતર કરવામાં શિક્ષકનું મહત્વ ઓછું આંકવું ન જોઈએ.શિક્ષકોનું સન્માન થાય છે. શિક્ષકને પૂરતું વેતન મળે છે તે રાષ્ટ્ર ઝડપથી વિકાસ તરફ ગતિ કરી શકે છે. કાર્યક્રમમાં ૩૯ ભાઈ-બહેનોની વંદના કરવામાં આવી જેમાં શિક્ષકોએ પોતાનો પ્રતિભાવ પણ વ્યક્ત કર્યો. ડો. ભાવનાબેન ઠુંમર, સંજયભાઈ દવે અને ધરમભાઈ વંકાણીએ આ કાર્યક્રમને ન ભૂતો ન ભવિષ્યતિ જેવો ગણાવ્યો.પાટણ જિલ્લાના સન્માનિત શિક્ષક શ્રી શામજીભાઈ દેસાઈએ જણાવ્યું કે આજે ૬૧ શિક્ષકોની ભાવ વંદના ૬૧૦૦૦ વિદ્યાર્થીઓની કલ્યાણ ભાવના વ્યક્ત કરે છે.૧૧ ઓક્ટોબરનો દિવસ યાદગીરી રૂપે કાયમી શિક્ષક ભાવવંદના દિવસ તરીકે ઉજવાય તે માટે સરકારશ્રીને વિનંતી કરીશું. જે તે શાળાઓએ આ કાર્યક્રમને આ દિવસે અમલમાં મૂકવા પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવી જોઈએ. આપણે આ દિવસને યાદગાર બનાવવા માટે આવતી ૧૧મીએ પણ આ જ પ્રકારનું કાર્યક્રમનું આયોજન કરીને શિક્ષકોની કાર્યરીતિને ભાવથી વંદન કરીએ પૂજન કરીએ. કાર્યક્રમનું સમગ્ર આયોજન અને સંકલન ભરતભાઈ ગોટી અને જીતુભાઈ જોશીએ કર્યું હતું. સંચાલન સુંદર રીતે શ્રી જીગ્નેશભાઈ કુંચાલા કર્યું હતું. આસપાસના શિક્ષણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleગારીયાધારના શખ્સને દેશી તમંચા સાથે ઝડપી લેતી ભાવ.એલસીબી
Next articleબોટાદ ખાતે ડ્રીસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો