આર્યન ખાનના જામીન પરની સુનાવણી ૧૩ ઓક્ટોબરે થશે

253

ડ્રગ્સ કેસમાં શાહરૂખના પુત્રને રાહત ન મળી શકી : આર્યન ખાને હજી ૩ દિવસ આર્થર રોડ જેલમાં કાઢવા પડશે, એનસીબીને જવાબ તૈયાર કરવા કોર્ટનો નિર્દેશ
મુંબઈ, તા.૧૧
બોલિવુડ એક્ટર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. આર્યન અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આગામી સુનાવણી ૧૩ ઓક્ટોબર પર મુલતવી રાખી છે. ૧૩ ઓક્ટોબરે સવારે ૧૧ કલાકે આ કેસની સુનાવણી થશે. મતલબ કે, આર્યન ખાનને હજી ઓછામાં ઓછા ૩ દિવસ આર્થર રોડ જેલમાં કાઢવા પડશે.આર્યન ખાન ઉપરાંત ડ્રગ્સ કેસમાં પકડાયેલા અરબાઝ મર્ચન્ટના વકીલે જામીન અરજી તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી. આર્યનના વકીલ સતીશ માનશિંદેએ પણ જામીન અરજી પર સુનાવણીની માગ કરી છે. જોકે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ જવાબ આપવા માટે ઓછામાં ઓછો એક અઠવાડિયાનો સમય માગ્યો છે. એનસીબીએ કહ્યું, અમે આ કેસમાં ૨૦ લોકોની ધરપકડ કરી છે. હજી તપાસ ચાલુ છે એટલે જવાબ આપવામાં સમય લાગશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના આ તર્ક પર સેશન્સ જજે નિર્દેશ કર્યો કે એનસીબી બે દિવસમાં જવાબ તૈયાર કરી દે. મતલબ કે, હવે ૧૩ ઓક્ટોબરે થનારી સુનાવણીમાં આર્યનની જામીન અરજી મામલે એનસીબીએ પોતાનો જવાબ આપવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આર્યન ખાનની જામીન અરજી એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ફગાવી હતી. હવે જો સેશન્સ કોર્ટ પણ આર્યનને જામીન નહીં આપે તો વકીલોને જામીન મેળવવા માટે હાઈકોર્ટ જવું પડશે. સેશન્સ કોર્ટમાં આર્યન ખાનની જામીન અરજી પર જજ વી.વી.પાટીલે સુનાવણી કરી હતી. આર્યન ખાન તરફથી કોર્ટમાં સિનિયર એડવોકેટ અમિત દેસાઈએ દલીલ કરી હતી. જ્યારે સતીશ માનશિંદે પણ ત્યાં હાજર હતા. એનસીબી તરફથી સ્પેશિયલ પ્રોસિક્યુટર એ.એમ.ચિમલાકરે દલીલ કરી હતી અને સ્પેશિયલ સોલિસિટર જનરલ અદ્વૈત સેઠાના પણ કોર્ટમાં હાજર હતા. આર્યન સાથે પકડાયેલા અન્ય આરોપીઓ અરબાઝ મર્ચન્ટ, મોહક જયસ્વાલ, નૂપુર સાજીતા અને મુનમુન ધામેચાની જામીન અરજી પર પણ ૧૩ ઓક્ટોબરે સુનાવણી થવાની છે. ઉલ્લેખનીય છે કે, આર્યન ખાનને ૨ ઓક્ટોબરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મુંબઈથી ગોવા જતી ક્રૂઝ શિપમાંથી પકડ્યો હતો. એજન્સીએ આર્યન સહિત સાત લોકોની ધરપકડ કરી હતી.

Previous articleઆત્મનિર્ભર ભારત સારો વિચાર, સારી યોજના : મોદી
Next articleકુમ કુમના પગલાં પડ્યા….માડીના હેત ઘર્યા…જોવા લોક ટોળે વળ્યા રે….