યુનિવર્સિટી કેમ્પમાં આયોજીત ગરબાના કાર્યક્રમમાં પોલીસે છાત્રોને બેરહેમીથી ફટકારી ખૌફનું વાતાવરણ સરજ્યુ હતું
દક્ષિણ ગુજરાતના સુરત સ્થિત વિર નર્મદ યુનિવર્સિટી ખાતે કોલેજ સત્તાવાળાઓની સંપૂર્ણ સહમતીથી યોજાયેલા વિદ્યાર્થીઓ માટેના રાસ-ગરબાના પ્રોગ્રામમાં ઉમરા પોલીસની ટીમે આવી વિદ્યાર્થીઓ પર ભારે અત્યાચાર આચરી નિર્દોષ છાત્રોને બેરહેમીથી ફટકારી ખૌફનું વાતાવરણ સરજ્યુ હતું. આ અત્યાચારના રાજ્ય ભરમાં ઘેરા પડઘા પડ્યાં છે અને જવાબદાર પોલીસ અધિકારી-કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની માંગ સાથે આવેદનપત્રો આપવામાં આવી રહ્યાં છે. ત્યારે ભાવનગર એબીવીપી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આકરી કાર્યવાહી કરવા માંગ કરી હતી. હાલનાં નવરાત્રીના નવલાં દિવસો અન્વયે સુરત સ્થિત વિર નર્મદ યુનિવર્સિટી ખાતે યુ.નિ ડીન ન રજા-મંજૂરી સાથે યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં આ કોલેજના વિદ્યાર્થીઓ માટે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ પણ સરકાર ની ગાઈડલાઈન મુજબ આમ છતાં ઉમરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જેમાં પીઆઈ પીએસઆઈ સહિતનો કાફલો આવી ચડ્યો હતો અને આ કાર્યક્રમ માં બિભત્સ વાણી વિલાસ આચરી કાર્યક્રમ બંધ કરાવ્યો હતો તથા એબીવીપીના પ્રમુખ સહિત વિદ્યાર્થીઓ ને પોલીસ સ્ટેશનમાં લાવી ઢોરમાર મારવામાં આવ્યો હતો એ સાથે ખૌફનું વાતાવરણ ઉભું કર્યું હતું. પોલીસે આચરેલી દાદાગીરીના પડઘા સમગ્ર રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓમાં પડ્યાં છે અને આ તાંડવ આચરનાર તમામ પોલીસ જવાનો અધિકારીઓ વિરુદ્ધ કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરી જવાબદારોને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી રહી છે. તથા કાર્યવાહીની માંગ કરતાં આવેદનપત્રો મુખ્યમંત્રીને સંબોધી જિલ્લા કલેક્ટરોને આપવામાં આવી રહ્યાં છે, ત્યારે ભાવનગર એબીવીપી દ્વારા સુરત નર્મદ યુનિવર્સિટીમાં બનેલી ઘટનાને વખોડી જવાબદારો સામે આકરી કાર્યવાહીની ઉગ્ન માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.