તળાજાના ત્રાપજ ગામે વાવમાંથી ગામના જ યુવાનની લાશ મળી

792

બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે ચર્ચાનો વિષય
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામે આવેલી એક વાવમાંથી ગામનાં યુવાનની લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. ભાવનગર ફાયરબ્રિગેડની ટીમે લાશને બહાર કાઢી અલંગ પોલીસને સોપતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર ફાયરબ્રિગેડની ટીમને વહેલી સવારે કોલ મળ્યો હતો કે ત્રાપજ ગામે આવેલી એક જુનવાણી વાવમાં પુરુષની લાશ તરે છે. જે કોલ આધારે ટીમે ઘટના સ્થળે પહોંચી ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી અલંગ પોલીસને સોંપી હતી. પોલીસે પ્રાથમિક તપાસ સાથે મૃતકની ઓળખ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતાં. જેમાં મૃતક યુવાન આજ ગામનો 23 વર્ષીય ભરત બાબુ પરમાર હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે મૃતકના પરિજનોને બોલાવી પુછપરછ હાથ ધરી લાશનું પંચનામું કરી પીએમ માટે તળાજા રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે પીએમ રીપોર્ટ બાદ જ જાણવા મળશે. આ બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં એકઠા થયા હતા.

Previous articleસુરતમાં વિધાર્થીઓ સાથે પોલીસે કરેલી દાદાગીરી મામલે ભાવનગરમાં ABVP દ્વારા ન્યાય માટે કલેક્ટરને રજૂઆત કરાઇ
Next articleભાવનગર શહેરની ધર્મરાજ સોસાયટીમાં આવેલુ અનોખુ ગરબા મંદિર, 18 વર્ષ પહેલાં સ્થાપના કરાઇ