રાજપરાના ખોડિયાર મંદિરે મંત્રી આર.સી. મકવાણાની ઉપસ્થિતીમાં મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો

287

ગુજરાત સરકાર દ્વારા નવરાત્રીના નવ દિવસ ગુજરાતના જાણીતા શક્તિપીઠો ખાતે જગતજનનીની મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત ભાવનગરના રાજપરા ખાતે આવેલ ખોડિયાર માતાના જાણીતાં મંદિરે પ્રવાસન વિભાગ દ્રારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.શક્તિની ભક્તિની ઉપાસનાના પાવન પ્રસંગ એવાં નવરાત્રીના છઠ્ઠા દિવસે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી. મકવાણા આ અવસરે વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં. આ અવસરે મંત્રીએ કહ્યું કે, વિસરાયેલી સંસ્કૃતિને સમાજ જીવનમાં પ્રસ્થાપિત કરવાનું કાર્ય નવરાત્રિ જેવાં મહોત્સવ થકી રાજ્યમાં થયું છે.તેમણે કહ્યું કે, ઉત્સવો અને તહેવારો એ તો સનાતન ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે.
સુષુપ્ત થયેલ માનવજીવનમાં આવાં તહેવારો ઉમંગ અને ઉત્સાહ ભરે છે. રાજ્યના વિવિધ પ્રચલિત મંદિરોના પટાંગણમાં નવરાત્રીના નવેય દિવસ મહાઆરતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કોવિડની ગાઇડલાઇનને અનુસરીને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે ફરીદા મીર અને તેમની ટીમે રાસ-ગરબાની ભારે જમાવટ કરી હતી. ઉપસ્થિત જનમેદનીએ તેને મનભરીને માણી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, સિહોર પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ,જિલ્લાના અધિકારીઓ- પદાધિકારીઓ, રાજપરા તથા આસપાસના ગામના ગ્રામજનો તથા ભાવિક જનતા ઉપસ્થિત રહી હતી.

Previous articleભાવનગરમાં શાકભાજીના ભાવમાં ભડકોઃ ગૃહિણીઓનું બજેટ વેરવિખેર
Next articleવન્ય પ્રાણી સપ્તાહ ૨૦૧ અનુસંધાને ભાલ વિસ્તારની ગ્રામ સભાઓમાં લોક જાગૃતિ કાર્યક્રમો