જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં અનુશાસન જરૂરી છે અને તે સ્કાઉટીંગમાં સ્વયં કેળવણી મળે છે : મંત્રી વાઘાણી
સ્કાઉટીંગ ક્ષેતમાં રાજય કક્ષાએ સૌથી મોટો અને ગૌરવપૂર્ણ એવોર્ડ રાજય પુરસ્કાર પ્રાપ્ત કરનાર ભાવનગરના ૪૦ સ્કાઉટ ગાઈડને કેબિનેટ શિક્ષણ મંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને જણાવ્યું કે, શિસ્ત અને અનુશાસન તે સ્કાઉટ ગાઈડનો મહત્વપૂર્ણ હિસ્સો છે. જીવનના કોઇપણ ક્ષેત્રમાં વિકાસ કરવા માટે સ્વયં શિસ્ત અને અનુશાસન ખૂબ જ જરૂરી છે. સ્કાઉટ ગાઇડની પ્રવૃત્તિથી આ ગુણો વિદ્યાર્થીઓમાં પહેલેથી જ કેળવાય છે. જેનો લાભ આગળ જતાં રાજ્ય અને દેશને ચોક્કસ મળશે. સરકીટ હાઉસ ખાતે તેમણે ખાસ સમય કાઢીને મંત્રી આ સમારોહમાં ઉપસ્થિત રહી બાળકોને બિરદાવ્યા હતા. સ્વાગત જીલ્લા સ્કાઉટ કમિશ્નર જયેશભાઈ દવેએ કર્યુ હતું તો સ્કાર્ફ પહેરાવી અભિવાદન જીલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટએ કર્યુ હતું. મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રત્યેક બાળકને જાતે મેડલ પહેરાવી પ્રોત્સાહિત કર્યા હતા.