૨૪ કલાકમાં ત્રણ એન્કાઉન્ટર : અગાઉ અનંતનાગ અને બાંદીપોરામાં એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા હતા, ઠાર કરાયેલા આતંકવાદીઓ પાસેથી દારુગોળો જપ્ત કરાયો
શ્રીનગર,તા.૧૨
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટના વધ્યા બાદથી સુરક્ષાદળ સાવધાન થઈ ગયા છે. કાશ્મીરના શોપિયા વિસ્તારોમાં સોમવારે બે એન્કાઉન્ટરની ઘટના બની હતી, જેમા જવાનોએ ત્રણથી ચાર આતંકવાદીઓને ઘેરી લઈ ઠાર માર્યા હતા. એક એન્કાઉન્ટર શોપિયાના તુલરાન વિસ્તારમાં ચાલી રહ્યું હતું જ્યારે બીજા બે અનંતનાગ અને બાંદીપોરામાં પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. જ્યાં એક ઘરમાં આતંકવાદીને ઘેરી લેવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ એન્કાઉન્ટર સોમવારે સાંજે શરૂ થયું હતું, જ્યારે શોપિયાંમાં કેટલાક આંતકવાદીઓ હોવાની જાણકારી મળી હતી. પોલીસ અને સુરક્ષા દળના જવાન આ ઓપરેશનને ચલાવી રહ્યા છે. એન્કાઉન્ટરનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે કેટલાક સમય અગાઉનો છે. વીડિયોમાં જવાનો આતંકવાદીઓને સરેન્ડર કરવા માટે કહી રહ્યા છે. આ ઘરમાં ત્રણ-ચાર આતંકવાદી છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. છેલ્લા ૨૪ કલાકમાં ત્રણ એન્કાઉન્ટર થઈ ચુક્યાં છે. જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે વિશ્વસનીય ઇનપુટના આધારે આજે સાંજે શોપિયાંમાં બે ઓપરેશન શરૂ કરવામાં આવ્યા હતા. શોપિયાંના તુલરાનમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું, જ્યાં ૩-૪ આતંકીઓ ફસાયા હતા. તેમજ ખેરીપોરા શોપિયાંમાં બીજું ઓપરેશન શરૂ થયું અને જ્યાં પણ ટૂંક સમયમાં સંપર્ક અપેક્ષિત છે. ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં આ ત્રીજુ એન્કાઉન્ટર છે. જમ્મુ -કાશ્મીર પોલીસે આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનું પણ કહ્યું. જ્યારે તેઓ સહમત ન થાય તો બંને તરફથી એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. એક વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં પોલીસ આતંકવાદીઓને આત્મસમર્પણ માટે અપીલ કરતી જોવા મળી રહી છે.