નોમ તથા દશેરાના દિવસે દુર્ગા પૂજા, સ્ત્રોત્રના પાઠ ચંડીપાઠ દ્વારા હોમ અને માતાજીની પાલખીની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું
નવલાં નોરતાંના અંતિમ દિવસે ભાવનગર શહેર-જિલ્લામાં દૈવી ભક્તિ-ઉપાસનાનો સર્વપરી માહોલ જોવા મળ્યો હતો. દૈવી આસ્થાના અનુયાયીઓ દ્વારા નોરતાંના અંતિમ દિનેમાં જગતજનનીને રીઝવવા કોઈ જ કસર બાકી રાખી ન હતી. માતાજીને પ્રિય હોમાત્મક યજ્ઞકાર્યો સાથે ચંડીપાઠ અન્નકૂટ ભોગ નૈવેદ્ય સાથે માની ભક્તિમાં શ્રધ્ધાળુઓ લીન બન્યાં હતા.
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ મંદિર રાંદલ માતાજી મંદિર (મુખ્ય મંદિર વાવ વાળા) આસો સુદ નોમ નિમિત્તે મંદિરના સાનિધ્યમાં દર વર્ષે હવન કરવામાં આવે છે. જેમાં મંદિરના મહંત દિનેશગીરી હરનામગીરી ગોસ્વામી દ્વારા હવનમાં આહુતિ આપી હતી, નવલાં નોરતાં નિમિતે રાંદલ માતાજીના મંદિરે દર્શનાર્થીઓ ગામો ગામથી આવી રહ્યા છે. શહેરમાં આવેલ મંદિરોમાં હવનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંસ્કાર મંડળ પાસે આવેલ ખોડિયાર મંદિર ખાતે હવન અને 56 ભોગ ઘરાવવામાં આવ્યો છે, “પરિવર્તન” સંસારનો નિયમ આ વાત ભાવનગરની જનતાએ ખૂબ સારી અને સુંદર રીતે જીવનમાં વણી લીધી છે. પ્રત્યેક હિંન્દુ તહેવારો- ઉત્સવોની નવીનતા સભર રીતભાત ઉજવણી કરવી એ ભાવનગરીઓની ખાસિયત બની છે. ત્યારે આજરોજ નવલાં નોરતાંના સમાપન પ્રસંગે શહેર-જિલ્લામાં ભક્તિ રસનો નવો માહોલ જોવા મળ્યો હતો છેલ્લા પાંચેક વર્ષથી શહેરીજનો નવરાત્રી ની વિવિધતા સભર ઉજવણી કરતાં થયા છે.
આમતો લોકો પ્રાચીન- અર્વાચીન પધ્ધતિ ને પ્રધાન્યતા આપી જૂની રસમો અકબંધ રાખે જ છે પરંતુ આ નવરાત્રીના ઉત્સવમાં આ વર્ષે મુખ્ય આકર્ષણ દુર્ગા પૂજાની બાબત બની છે. ઉદ્યોગ પ્રધાન ભાવનગર શહેરમાં દેશના વિવિધ પ્રાંતમાથી શ્રમિકો રોજગારી અર્થે આવી વસ્યાં છે, એ લોકો પોતાની સાથે પોતાના રાજ્ય-શહેરની પરંપરા પણ લાવ્યાં હોય જિલ્લા ના સિહોર તથા મામસા જીઆઈડીસી વિસ્તાર માં છેલ્લા બે વર્ષ થી નવમી તથા વિજયાદશમી ની તિથિએ દુર્ગા પૂજાનું ચલણ શરૂ કર્યું છે. શેરી-વસાહત માં પરપ્રાંતિયો દ્વારા નવ દિવસીય નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હોય તે સ્થળે નોમ તથા દશેરાના દિવસે દુર્ગા માતાની પ્રતિમા ની મહાપૂજા, સ્ત્રોત્રના પાઠ ચંડીપાઠ દ્વારા હોમ અને માતાજી ની પાલખીની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સ્થાનિકો પણ ભારે ઉત્સાહ સાથે જોડાઈ રહ્યાં છે અને આ આયોજનને અપનાવી અનુસરી રહ્યાં છે ત્યારે શહેર-જિલ્લા માં આઠમ બાદ આજે નવમી તિથિ ના પર્વ એ પણ શક્તિ પીઠો-મઢમા હોમાત્મક યજ્ઞકાર્યો નું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સમૂહ નૈવેદ્ય ચૈલકર્મ સંસ્કાર(બાબરી ઉતારવી) મહાપ્રસાદ રાસોત્સવ સહિતના ધર્મ પ્રસંગ થકી નવમી તિથિ ની ઉજવણી કરવામાં આવી હતી.