ભાવનગર કલેક્ટરે ઘોઘા તાલુકાના ઉખરલાં ગામની મુલાકાત લઇને છેલ્લાં એક વર્ષ દરમિયાન જન્મેલ દિકરીના ઘરની મુલાકાત લઇ દીકરી જન્મના વધામણાં કર્યા હતાં. તેમની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ પણ જોડાયાં હતાં. ભાવનગર કલેક્ટરે નવરાત્રીના નવલાં દિવસો દરમિયાન તેમની રૂટીન મુલાકાત દરમિયાન ઉખરલાં ગામમાં જન્મેલ દિકરીઓના ઘરે ઢોલ- નગારાં સાથે ગામના આગેવાનો સાથે પહોચ્યાં હતાં. કલેક્ટરે આ રીતે રાજ્ય સરકાર દ્વારા ‘બેટી બચાવો- બેટી પઢાવો’ના અભિયાનમાં સૂર પૂરાવ્યો હતો. સમાજમાં દિકરો- દીકરી એક સમાન છે તેનો સંદેશ પણ કલેક્ટરે આ રીતે આપ્યો હતો. કલેક્ટરએ ‘બેટી બચાવો- બેટી પઢાવો’ છેલ્લાં એક વર્ષ દરમિયાન ઉખરલાં ગામમાં જન્મેલ દીકરીઓના ઘરે જઇને કીટનું વિતરણ પણ કર્યું હતું. કલેક્ટર જ્યારે- જ્યારે ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લે છે, ત્યારે તેઓ સમાજ સાથે સીધી રીતે સંકળાયેલી બાબતો તે શિક્ષણ હોય, ગ્રામ વિકાસ હોય, ધાર્મિક સ્થળો તેમજ પ્રવાસન સ્થળોનો વિકાસ હોય તેવી તમામ બાબતો પરત્વે સંવેદનશીલતાથી રસ લઇને તેના ઉકેલ માટે સક્રિય રીતે રસ લે છે. બે દિવસ પહેલાં પણ તેમને તેમની સમાજ પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવી ટ્રાન્સજેન્ડરો માટે યોજાયેલાં ગરબામાં પણ હાજરી આપી હતી.આ ઉપરાંત તેઓ તેમની મુલાકાતમાં ગ્રામ પંચાયત અને આરોગ્ય કેન્દ્રોની અચૂક મુલાકાત લઇ તેને લોકોની સેવામાં વધુ બહેતર કેવી રીતે બનાવી શકાય તે માટેના સૂચનો પણ કરે છે. તેઓ આ માટે જિલ્લા વહીવટી તંત્રના મદદ- સહકારની ખાતરી પણ ઉપસ્થિત ગ્રામજનોને આપે છે.