વિજયાદશમીએ જ શસ્ત્ર પૂજન સાથે શસ્ત્ર ઉત્પાદક કંપનીની શરૂઆત : ૭ કંપનીઓ આવનારા સમયમાં ભારતની તાકાતનો આધાર બનશે, આઝાદી પછી પહેલી વખત ડીફેન્સ સેક્ટરમાં ભારે રિફોર્મ થઈ રહ્યા છે : નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, તા.૧૫
હથિયારો બનાવતી નવી સાત કંપનીઓને પીએમ મોદીએ આજે દેશને સમર્પિત કરી છે. તેમણે કહ્યુ હતુ કે, વિજયાદશમીના દિવસે આ કાર્યક્રમ થઈ રહ્યો છે તે દેશ માટે સારો સંકેત છે. શસ્ત્ર પૂજન સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ભારતે પોતાની આઝાદીના ૭૫મા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને જે કામ દાયકાઓથી અટકયા હતા તે હવે પૂરા થઈ રહ્યા છે. સાત નવી કંપનીઓની શરૂઆત આ જ કામોનો હિસ્સો છે. આ નિર્ણય છેલ્લા ૨૫ વર્ષથી અટકયો હતો. સાત કંપનીઓ આવનારા સમયમાં ભારતની તાકાતનો આધાર બનશે. તેમણે કહ્યુ હતુ કે, હથિયારો બનાવતી આપણી ઓર્ડિનન્સ ફેક્ટરીઓ દુનિયામાં શક્તિશાળી ગણાતી હતી. તેમની પાસે લાંબો અનુભવ છે. વિશ્વ યુધ્ધ સમયે તેની ક્ષમતા દુનિયાએ જોઈ છે. આઝાદી પછી આ ફેકટરીઓને અપડેટ કરવાની જરૂર હતી પણ તેના પર ધ્યાન નહીં અપાતા સમયની સાથે ભારત વિદેશી હથિયારો પર આધાર રાખતુ થઈ ગયુ હતુ. આ સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે આ સાત કંપનીઓ નિર્ણાયક બનશે. તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં આધુનિક સૈન્ય ઈન્ડસ્ટ્રીનો વિકાસ અમારૂ લક્ષ્ય છે. આઝાદી પછી પહેલી વખત ડીફેન્સ સેક્ટરમાં ભારે રિફોર્મ થઈ રહ્યા છે. આ માટે સિંગલ વિન્ડો રિફોર્મની વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, તાજેતરમાં જ ૧૦૦ એવા હથિયારોની લિસ્ટ બહાર પાડવામાં આવ્યુ હતુ જેની આયાત હવે ભારત બહારથી નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. નવી લોન્ચ થયેલી સાત કંપનીઓ ભારતીય સેનાન મજબૂત બનાવશે અને આશા છે કે, તે પિસ્ટલથી માંડીને ફાઈટર જેટ્સ સુધીના તમામ હથિયારો ભારતમાં બનાવશે. આ કંપનીઓને ૬૫૦૦૦ કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે. જે સાત કંપનીઓ દેશને સમર્પિત કરાઈ છે તેમાં એડવાન્સ વેપન્સ એન્ડ ઈક્વિપમેન્ટ ઈન્ડિયા લિમિટેડ, ટ્રૂપ કંફર્ટસ ઈન્ડિયા લિમિટેડ, ઈન્ડિયા ઓપ્ટેલ લિમિટેડ, મ્યુનિશન ઈન્ડિયા લિમિટેડ, અવની આર્મર્ડ વ્હીકલ્સ, ગ્લાઈડર્સ ઈન્ડિયા લિમિટેડ, યંત્ર ઈન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે. આ કંપનીઓ ગોળા બારૂદ, વાહનો, હથિયારો, સૈન્ય સુવિધાને લગતી વસ્તુઓ, ઓપ્ટો ઈલેક્ટ્રોનિક્સ ગીયર, પેરાશૂટ જેવી વસ્તુઓનુ ઉત્પાદન કરશે.