ભાવનગરની સર.ટી. હોસ્પિટલના ડૉકટર્સ, મેડિકલ સ્ટુડન્ટ, નર્સિંગ હોસ્ટેલ સહિત લોક આરોગ્ય જાળવવાની જવાબદારી વહન કરનારા જ ડેંગ્યુનો શિકાર

693

છેલ્લા દોઢ મહિનામાં હોસ્પિટલના ડૉકટર્સ અને મેડિકલ સ્ટુડન્ટ ડેંગ્યુમાં સપડાયા હોય તેવા 30 કેસ ચોપડે નોંધાયા
કોરોનાના કેસમાં ઘટાડો થયો ત્યાં ડેંગ્યુ સહિતના ઋતુજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ત્યારે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં દોઢ મહિનામાં 30 ડૉકટર્સ અને મેડિકલ સ્ટુડન્ટ ડેંગ્યુની ઝપટે ચડ્યા છે. કોર્પોરેશનની સ્થળ તપાસમાં નર્સિંગ હોસ્ટેલ અને મેડિકલ કોલેજમાં ઠેર-ઠેર મચ્છર અને સ્વચ્છતાનો અભાવ જણાયો હતો. જેથી નોટિસ પણ ફટકારાઈ છે. નર્સિંગ હોસ્ટેલ અને મેડિકલ કોલેજ ડેંગ્યુ મચ્છર ઉત્પતી માટેની ફેક્ટરી હોય તેવું લાગી રહ્યુ છે. કોર્પોરેશન દ્વારા આ બંને સંકુલમાં મચ્છર ઉત્પતીને અંકુશમાં લેવા બે ફોગીંગ મશીન ફાળવી દેવાયા છે. ઉપરાંત દવાનો પૂરવઠો પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે. મ્યુ. આરોગ્ય વિભાગના આર.કે.સિન્હાએ જણાવ્યું હતું કે, આ વર્ષે જાન્યુઆરીથી 15 ઓક્ટોબર સુધીમાં ભાવનગર શહેરના વિસ્તારમાં ડેન્ગ્યુના 201 કેસ નોંધાયા છે, જે પૈકી છેલ્લા અઢી માસમાં 167 કેસ નોંધાયા છે. જ્યારે આ પૈકી છેલ્લા દોઢ મહિનામાં જ સર ટી.હોસ્પિટલના ડૉકટર્સ અને મેડિકલ સ્ટુડન્ટ ડેંગ્યુમાં સપડાયા હોય તેવા 30 કેસ ચોપડે નોંધાયા છે. કોર્પોરેશનની તપાસમાં મચ્છરોની વ્યાપક ઉત્પતી જણાતા સર ટી. જનરલ હોસ્પિટલના વહીવટી અધિકારી ગોહિલને નોટિસ ફટકારવામાં આવી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સાત આઠ વર્ષ પૂર્વે નિર્માણ પામેલા સ્વિમિંગ પુલ વિવાદમાં સપડાતા હાલ નઘણીયાત સ્થિતિમાં છે, આ સ્વિમિંગ પૂલમાં પ્રોફેસરો કે વિદ્યાર્થીઓને તો ધુબાકા મારવા નથી મળ્યા પરંતુ હાલ મચ્છરોનું ઘર બન્યો છે. સ્વિમિંગ પુલમાં અસહ્ય ગંદકી અને લીલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જે યુની. સત્તાવાહકોની બેદરકારીની ચાડી ખાય છે, હાલ મચ્છરોની ઉત્પતીના કેન્દ્ર બનેલા સ્વિમિંગ પુલની સફાઈ થાય અને આરોગ્ય કથળતું અટકે તેવુ વિદ્યાર્થીઓ ઇચ્છી રહ્યા છે.

Previous articleશહેરના નારી ચોકડી પાસેથી પરપ્રાંતિય શરાબના જથ્થા સાથે બે બુટલેગરો ઝબ્બે
Next articleભાવનગર મંડળે મંડળ ઉપભોક્તા સલાહકાર સમિતિની સાથે બેઠકનું આયોજન કર્યું