તબીબી શિક્ષણ ક્ષેત્રે એમ.બી.બી.એસ.ની નવી ૩૭૦ બેઠકોને મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે. આ સાથે હવે રાજ્યમાં એમ.બી.બી.એસ.ની ૪૨૦૦ બેઠકો ઉપલબ્ધ થશે.
નીતિનભાઇપટેલે ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા ગુજરાતમાં વધુને વધુ મેડીકલ કોલેજો સ્થપાય તે માટે તેમજ તબીબી સેવાઓનો વ્યાપ વધુ ઝડપથી વિકસે અને નાગરિકોને-દર્દીઓને ઉચ્ચકક્ષાની તબીબી સારવાર મળી રહે તે માટે લાંબા ગાળાનું આયોજન હાથ ધર્યું છે. જે અંતર્ગત રાજ્ય સરકાર હસ્તકની વડોદરા, સુરત અને જામનગર ખાતેની મેડીકલ કોલેજો અને આરોગ્ય નીતિ-૨૦૧૬ અંતર્ગત પાલનપુરની જિલ્લા હોસ્પિટલ ખાતે સ્થપાનાર નવી સ્વ-નિર્ભર મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ.ની આ નવી બેઠકો મંજૂર કરાઇ છે. જેમાં રાજ્ય સરકાર હસ્તકની જામનગર મેડીકલ કોલેજ ખાતે ૫૦, સુરત ખાતે ૧૦૦, વડોદરા ખાતે ૭૦ અને પાલનપુરની મેડીકલ કોલેજ ખાતે ૧૫૦ બેઠકો મળી કુલ ૩૭૦ બેઠકો ઉપલબ્ધ થશે. આ તમામ કોલેજોમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસક્રમનું પ્રથમસત્ર શરૂ કરવા માટેની સુવિધા ઉપલબ્ધ હોઇ શૈક્ષણિક કામગીરી શરૂ કરવા મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે અને આગામી સત્રથી આ બેઠકો ઉપર પ્રવેશ અપાશે.
રાજ્યમાં હાલ કુલ ૨૪ મેડીકલ કોલેજોમાં એમ.બી.બી.એસ. અને પી.જી.મેડીકલ અભ્યાસક્રમોની શૈક્ષણિક કામગીરી ચાલુ છે અને મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો ખાતે આરોગ્ય અને તબીબી સેવાઓ પૂરી પાડે છે. રાજ્યમાં અત્યાર સુધી એમ.બી.બી.એસ.ની ૩૮૩૦ બેઠકો પ્રાપ્ત હતી જેમાં આ નવી ૩૭૦ બેઠકો ઉમેરાતા કુલ ૪૨૦૦ બેઠકો ઉપલબ્ધ થશે. રાજ્યમાં તબીબી શિક્ષણક્ષેત્રે એમ.બી.બી.એસ.ની બેઠકોમાં ઉત્તરોત્તર વધારો થયો છે. ગુજરાતમાં વર્ષ-૨૦૦૫-૦૬ દરમિયાન એમ.બી.બી.એસ.ની ૧૫૨૫ બેઠકો હતી જેમાં છેલ્લા ૧૨ વર્ષમાં માતબર વધારો થયો છે અને ૪૨૦૦ બેઠકો થઇ છે તે તબીબી શિક્ષણમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ ભેટ બની રહેશે. મેડીકલ કોલેજ સાથે સંકળાયેલ હોસ્પિટલોમાં હજારો દર્દીઓને પણ ઉચ્ચકક્ષાની તબીબી સેવાઓ ઉપલબ્ધ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.