T-20 વર્લ્ડ કપ પછી દ્રવિડ ઈન્ડિયાના હેડ કોચ બનશે

204

નવી દિલ્હી, તા.૧૭
ભારતીય ક્રિકેટના મહાન ખેલાડીઓમાંના એક રાહુલ દ્રવિડે શુક્રવારે આઈપીએલ ફાઇનલ દરમિયાન ભારતીય સીનિયર ટીમના કોચ બનવા માટે સંમતિ આપી છે. દુબઈમાં બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે દ્રવિડ સાથે બેઠક યોજી હતી અને તેમને યુએઈમાં ટી ૨૦ વર્લ્‌ડ કપ બાદ ભારતીય ટીમના કોચ બનવા માટે રાજી કર્યા હતા. આ રીતે રવિ શાસ્ત્રીનો યુગ સમાપ્ત થશે અને દ્રવિડ તેમની જગ્યા લેશે. તેઓ ૨૦૨૩ સુધી ટીમના કોચ રહેશે. બીજી બાજુ પારસ મહેમ્બ્રેને બોલિંગ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. દ્રવિડ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગ્લોરના પ્રમુખ છે. બીસીસીઆઈએ કોઈ પણ કોચના પદ માટે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી ન હતી. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ટોચના અધિકારીઓએ શુક્રવારે રાત્રે આઈપીએલ ફાઇનલ દરમિયાન કહ્યું કે, ’રાહુલ દ્રવિડ ભારતીય ટીમના મુખ્ય કોચ બનશે. તેઓ ટૂંક સમયમાં એનસીએ ચીફના પદ પરથી રાજીનામું આપશે. આ સાથે ટીમના બોલિંગ કોચ તરીકે દ્રવિડના વિશ્વાસુ પારસ મહેમ્બ્રેને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ભરતની જગ્યા લેશે, જ્યારે ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરની બદલી અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. તો વિક્રમ રાઠોડ ટીમના બેટિંગ કોચ તરીકે ચાલુ રહેશે. બોર્ડે શરૂઆતમાં વિચાર્યું હતું કે રવિ શાસ્ત્રીને જ ન્યુઝીલેન્ડ શ્રેણી સુધી તેમના પદ પર ચાલુ રાખવા માટે આગ્રહ કરવામાં આવે પરંતુ બાદમાં તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો. દ્રવિડ તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસે ગયેલા સેકેન્ડ ક્લાસ ભારતીય ટીમના કોચ હતા. જ્યારે મુખ્ય ટીમ ઈંગ્લેન્ડમાં શ્રેણી રમી રહી હતી. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ત્રણ ટી -૨૦ અને બે ટેસ્ટ મેચ રમવાની છે. આ પ્રવાસ ટી ૨૦ વર્લ્‌ડ કપ પછી તરત જ થશે.

Previous articleવિકી કૌશલ અને કેટરિનાએ સગાઇ કરી હોવાની વાત નકારે છે
Next articleદેશની મોટી આઈટી કંપનીઓ લાખથી વધુ ફ્રેશર્સને હાયર કરશે