કોરોના મહામારી વચ્ચે ડિજિટલ ટેલેન્ટની ડિમાન્ડ વધી : દેશની મોટી આઈટી કંપનીઓમાં ટીસીએસ, ઈન્ફોસિસ, એચસીએલ અને વિપ્રો કંપની તરફથી ક્વાર્ટર રિઝલ્ટની જાહેરાત સાથે દાવો કરાયો
નવી દિલ્હી, તા.૧૭
કોરોના મહામારીની વચ્ચે ડિજિટલ ટેલેન્ટની ડિમાન્ડ ઘણી વધી છે. એવામાં દેશની આઈટી કંપનીઓ મોટાપાયે હાયરિંગ કરી રહી છે. તેમાં ફ્રેશર્સની સંખ્યા સૌથી વધારે છે. ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં દેશની ચાર મોટી આઈટી કંપની ટીસીએસ, ઈન્ફોસિસ, એચસીએલ અને વિપ્રો એક લાખથી વધારે ફ્રેશર્સને હાયર કરશે. આ દાવો ચારેય કંપનીઓ તરફથી ક્વાર્ટર રિઝલ્ટની જાહેરાત સાથે કરવામાં આવ્યો છે. દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ એટલે ટીસીએસે કહ્યું કે તે ચાલુ નાણાંકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ૩૫,૦૦૦ ફ્રેશર્સને હાયર કરશે. આ હાયરિંગ પછી ચાલુ નાણાંકીય વર્ષમાં તેના કુલ હાયરિંગનો આંકડો ૭૮,૦૦૦ સુધી પહોંચી જશે. છેલ્લાં ૬ મહિનામાં કંપની ૪૩,૦૦૦ ગ્રેજ્યુએટને હાયર કરી ચૂકી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ટીસીએસનો એટ્રિશન રેટ વધીને ૧૧.૯ ટકા થઈ ગયો જે જૂન ક્વાર્ટરમાં ૮.૬ ટકા હતો. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે તે વધતા એટ્રિશન રેટને લઈને ચિંતિંત છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી ૨-૩ અઠવાડિયામાં તેમાં તેજી જળવાઈ રહેશે. ઈન્ફોસિસ હાયરિંગની વાત કરીએ તો તે ચાલુ નાણાંકીય વર્ષમાં ૪૫,૦૦૦ કોલેજ ફ્રેશર્સને હાયરિંગ કરશે. પહેલા કંપનીએ ૩૫,૦૦૦ ફ્રેશર્સને હાયર કરવાનો પ્લાન બનાવ્યો હતો. કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રવીણ રાવે કહ્યું કે તે વધતાં એટ્રિશન રેટને ધ્યાનમાં રાખતાં કંપનીએ ફ્રેશર્સના હાયરિંગમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. વિપ્રોની વાત કરીએ તો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિઝલ્ટની સાથે જ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ ખેઈરી ડેલાપોર્ટે એ કહ્યું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ ૮૧૦૦ ગ્રેજ્યુએટને કોલેજમાંથી હાયર કર્યા છે. તેમણે કહ્યું કે કંપની આગામી નાણાંકીય વર્ષમાં ૨૫,૦૦૦ કોલેજ ફ્રેશર્સને હાયર કરવાનું પ્લાનિંગ કરી રહી છે. એચસીએલ ટેકનોલોજીની વાત કરીએ તો કંપનીએ કહ્યું કે ચાલુ નાણાંકીય વર્ષમાં ૨૦-૨૨ હજાર ફ્રેશર્સને હાયર કરશે. કંપની આગામી નાણાંકીય વર્ષ સુધી ૩૦,૦૦૦ ફ્રેશર્સને ટીમમાં સામેલ કરવાની તૈયારીમાં જોડાયેલું છે.