ગાંધીનગર શહેરના હાર્દસમા ઘ-૪ સર્કલ ડેવલોપ કર્યા ઉપરાંત સેન્ટ્રલ વિસ્ટા બનાવવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં અહીં સર્કલ ઉપર ફલાઇઓવર બનાવવાની પણ એક મહત્વાકાંક્ષી યોજના છે. ત્યારે અહીં બનનારો બ્રીજ મજબુત બને તે માટે માટીની તેમજ અહીંની જગ્યાનું પરીક્ષણ હાલ કરવામાં આવી રહ્યું છે.
જે માટે ઘ-૪ સર્કલના ચારેય ખુણે આઠ જગ્યાએથી અદ્યતન મશીનરીનો ઉપયોગ કરીને માટીના નમૂના લેવામાં આવ્યા છે જેને પરીક્ષણ માટે પણ મોકલી આપવામાં આવ્યાં છે. એક સમયે ગુજરાતના મુખ્યમંત્રી રહેલાં નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના પૈકીની એક યોજના વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના વિસ્તારને ડેવલોપ કરવાની હતી.
તેમના મતે વિધાનસભાથી મહાત્મા મંદિરની વચ્ચે કંઇજ હોવું જોઇએ નહીં, વિધાનસભાથી સીધું મહાત્મા મંદિર દેખાવું જોઇએ જેને અનુલક્ષીને અહીં સેન્ટ્રેલ વિસ્ટા વિકસાવવામાં આવ્યું છે.
ત્યારે હવે ઘ-૪નું સર્કલ છે તે સર્કલ પર એક ઓવરબ્રીજ બનાવવામાં આવનાર છે. આ ઓવરબ્રીજનું કામ અગાઉ પાટનગર યોજના પાસે હતું પરંતુ હવે પાટનગર યોજના વિભાગે આ કામગીરી કોર્પોરેશનને સોંપી દીધું છે ત્યારે હવે ઘ રોડને સમાંતર એક ઓવરબ્રીજ બનાવવામાં આવનાર છે. જે માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.