યોગ્ય નિર્ણય નહીં આવે તો આસપાસના ગ્રામજનોએ ધરણા કરવાની તૈયારી દર્શાવી
કોંગ્રેસ તથા ટ્રાન્સપોર્ટરો દ્વારા ભાવનગર કોબડી પાસે આવેલા ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત જિલ્લા કલેક્ટર તથા એસપીને કરવામાં આવી હતી. ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લા કલેક્ટરને આસપાસના ગામોના લોકોના હિતમાં સર્વિસ રોડ આપવા રજૂઆત કરવામાં આવી છે અને જ્યાં સુધી સર્વિસ રોડ ચાલુ ના થાય ત્યાં સુધી ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા પણ રજૂઆત કરાઇ છે. આ અંગે કલેક્ટર દ્વારા રોડ ઓથોરિટી સાથે ચર્ચાઓ કરી યોગ્ય નિર્ણય કરવાની ખાતરી આપવામાં આવી છે. યોગ્ય નિર્ણય નહીં આવે તો આસપાસના ગ્રામજનોએ ધરણા અને જરૂર પડતો આમરણાંત ઉપવાસ કરવાની તૈયારી દર્શાવી હતી. આ રજૂઆત વેળાએ તળાજાના ધારાસભ્ય કનુ બારૈયા, ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલ, ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણ રાઠોડ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશ વાઘાણી સહિત ટ્રક માલિકો અને ટ્રાન્સપોર્ટરોનું પ્રતિનિધિ મંડળ ભાવનગર કલેકટર અને ભાવનગર એસ.પી.ને રૂબરૂ મળીને ભાવનગર-સોમનાથ હાઇવે પરના કોબડી ટોલટેક્સ પર કોન્ટ્રાક્ટરો દ્વારા ખોટી રીતે ટ્રક માલિકો પર ફરિયાદ કરી ધમકાવવા આવે છે તેને લઈ રજૂઆત કરવામાં આવી હતી.