આર્થિક ખોટ પુરી કરવા તથા રવિ સિઝનનુ સમયસર વાવેતર કરવા ધરતીપૂત્રો ખરીફ મોલાતોનુ તત્કાળ વેચાણ કરી રહ્યાં છે
સમગ્ર સૌરાષ્ટ્ર સાથોસાથ ભાવનગર શહેર તથા તાલુકા મથકે આવેલ ખેત ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખરીફ સિઝનના વિવિધ રોકડીયા પાકોના વેચાણ માટે ગોહિલવાડ ના ખેડૂતો કતારો લગાવી રહ્યાં છે.દિવાળીના દિવસો નજીક આવતાની સાથે જ રાજ્ય સાથોસાથ સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલ શહેરો અને તાલુકા મથકોએ આવેલ ખેત ફસલ ખરીદ-વેચાણ બજાર સમિતિ ખાતે ખેડૂતો ખરીફ પાકોની લણણી ના અંતે વેચાણ માટે લાવતાં હોય છે જે અંતર્ગત ભાવનગર શહેર તથા તાલુકાઓમાં આવેલ એપીએમસી માર્કેટ ખાતે ચોમાસું સિઝનના રોકડીયા પાકો જેમાં કપાસ,મગફળી,તલ,બાજરી, અડદ,જુવાર સહિતની ઝણસો નું વેચાણ શરૂ કરે છે આ ખરીફ ફસલ સામાન્યતઃ દિવાળી પછી લાભ પાંચમના દિને શુભ મહૂર્ત માં વેચાણ અગર વાયદા બજાર માં મહૂર્ત કરતાં હોય છે,
પરંતુ આ વર્ષે ખેડૂતો એ બે વાવાઝોડા, એક સમયે વરસાદી અછત અને અંતમાં અતિવૃષ્ટિ જેવાં વિષમ પરિબળોનો સામનો કર્યો હતો એ સિવાય કોરોના ની વૈશ્વિક મહામારી એ પણ ખેડૂતોને વત્તા-ઓછાં અંશે પ્રભાવિત કર્યાં હોય આથી હાલનાં સમયે ગોહિલવાડના ખેડૂતો નબળી આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. જેને પગલે લેણું-ધિરાણ ચુકતે કરવા સાથોસાથ રવિ સિઝન વાવેતરનો પણ સમય નજીક આવી પહોંચતા રવિ સિઝનની આગોતરી તૈયારીઓ કરવા ખેડૂતો હાલમાં નવાં વર્ષની રાહ જોયાં વિના ખરીફ ખેત સિઝનની વિવિધ ઝણસોનુ વેચાણ કરવા તત્પર બન્યાં છે. આ અંગે ખેડૂતો એ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં નફા ની અપેક્ષા નથી રાખી રહ્યાં પરંતુ ખોટ ન જાય અને ખર્ચ નિકળી જાય એ રીતે રોકડીયા પાકોના વેચાણ થકી નાણાં મળે એવી અપેક્ષાઓ સેવી રહ્યાં છીએ બીજી તરફ આબોહવા ની દષ્ટિએ આ વર્ષે શિયાળાનુ આગમન વહેલું થાય એવું જણાઈ રહ્યું છે આથી શિયાળાના પ્રારંભે જ રવિ સિઝનનુ વાવેતર જેમાં ડુંગળી, ઘઉં ચણા તુવેર રાયડો સહિતનું વાવેતર સમસર કરવું અનિવાર્ય છે અન્યથા ઉત્પાદન સહિતની બાબતો અંગે પ્રશ્નો સર્જાઈ શકે છે, સરકારે ખરીફ ફસલની ખરીદી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત તો કરી છે પરંતુ ન્યૂનતમ મૂલ્ય ખેડૂતોને પરવડે તેમ.નથી આથી ટેકાના ભાવો થોડા ઊંચે લઈ જવામાં આવે એવી માંગ ધરતીપૂત્રો કરી રહ્યાં છે.