વ્હીલચેર-સ્ટ્રેચર પુરતાં પ્રમાણમાં ન હોવાની ફરિયાદ વ્યાપક
ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવેએ સર.ટી હોસ્પિટલ ખાતે લોકપ્રશ્ર્નો સાંભળ્યા હતા. જેમાં દર્દીઓને પડતી વિવિધ તકલીફો સંદર્ભે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પ્રશ્ર્નોના ઉકેલની ધારાસભ્ય એ ખાત્રી આપી હતી.ભાવનગર પૂર્વ મતક્ષેત્રના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી વિભાવરીબેન દવેએ આજરોજ શહેરની સર.ટી હોસ્પિટલ ખાતે લોકપ્રશ્ર્નો સાંભળ્યા હતાં જેમાં પેશન્ટોના સબંધીઓએ હોસ્પિટલમાં વ્હીલચેર-સ્ટ્રેચર પુરતાં પ્રમાણમાં ન હોવાની ફરિયાદ કરી હતી.
આ ઉપરાંત જે દર્દીઓને સારવાર માટે અહીં એડમીટ કરવામાં આવે છે તેઓના મૃત્યુ થયા બાદ મેડિકલ વીમા અંગેની કામગીરીમાં વિલંબ થતો હોવાની ફરિયાદ પણ મળતાં ધારાસભ્યએ હોસ્પિટલ સત્તાવાળાને આ મુદ્દે જરૂરી સુચનાઓ આપી કાયદાકીય પ્રક્રિયા 15 દિવસમાં પૂર્ણ થાય એવાં પ્રયત્નો કરવા જણાવ્યું હતું તથા વ્હીલચેર-સ્ટ્રેચર ખરીદી લોકો માટે જરૂરિયાત મુજબ સેવામાં સમાવેશ કરવામાં આવશે એવી હૈયાધારણ આપી હતી. હોસ્પિટલમાં તબીબોની ઘટ સંદર્ભે ધારાસભ્ય એ જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ પૂર્ણ કરવા કાર્યવાહી શરૂ જ છે અને આવનારા દિવસોમાં સરકારી ઔપચારિકતા પૂર્ણ થયે સર.ટી હોસ્પિટલમાં તબીબોની નિમણૂંક કરવામાં આવશે.