કાશ્મીર બિહારીઓને સોંપો, પરિસ્થિતિ સુધરી જશે : માંઝી

226

મોદી-અમિત શાહને આગ્રહ કરૂં છું કે, કાશ્મીરને સુધારવાની જવાબદારી બિહારીઓ પર છોડી દો : જીતન રામ માંઝી
પટના, તા.૧૮
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા બહારના લોકોનું ’ટાર્ગેટ કિલિંગ’ કરવામાં આવી રહ્યું છે તેને લઈ બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ ટિ્‌વટ કર્યું છે. તેમણે લખ્યું હતું કે, પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ કાશ્મીરની જવાબદારી બિહારના લોકોને આપી દે અને તે લોકો ૧૫ દિવસોમાં સ્થિતિ સુધારીને દેખાડી દેશે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં સેનાના એન્ટી ટેરર ઓપરેશનથી ઉશ્કેરાયેલા આતંકવાદીઓ એક બાદ એક બિન કાશ્મીરીઓને નિશાન બનાવી રહ્યા છે. દક્ષિણી કાશ્મીરના કુલગામ જિલ્લામાં રવિવારે આતંકવાદીઓએ બિહારના ૨ મજૂરોની હત્યા કરી દીધી હતી. તેના પહેલા શનિવારે પણ આતંકવાદીઓએ પુલવામા અને શ્રીનગર ખાતે ૨ લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. બિહારના પૂર્વ મુખ્યમંત્રી માંઝીએ લખ્યુ હતું કે, ’કાશ્મીરમાં સતત અમારા હથિયારવિહોણા બિહારી ભાઈઓની હત્યા કરવામાં આવી રહી છે જેને લઈ મન વ્યથિત છે. જો સ્થિતિમાં ફેરફાર નથી થઈ શકતો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને આગ્રહ કરૂ છું કે, કાશ્મીરને સુધારવાની જવાબદારી અમારા બિહારીઓ પર છોડી દો. ૧૫ દિવસમાં સુધારો ન લાવ્યા તો કહેજો.’ મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ કાશ્મીરમાં બિહારના લોકો પર થઈ રહેલા હુમલાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પ્રદેશના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે વાતચીત પણ કરી હતી. તે સિવાય માર્યા ગયેલા લોકોના પરિવારોને ૨-૨ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

Previous articleખીરી હિંસાના વિરોધમાં ખેડૂતોનું રેલ રોકો, ૫૦ ટ્રેનો પ્રભાવિત
Next articleઉત્તરાખંડમાં ભારે વરસાદના લીધે શાળા બંધ રાખવા આદેશ