જહાજની મેન્ટેનન્સ કામગીરીના કારણે 24 જુલાઈથી સર્વિસ બંધ કરવામા આવી હતી
છેલ્લા ત્રણ મહિનાથી બંધ થયેલી ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનો આજથી પુનઃ પ્રારંભ થતા સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતમાં અવરજવર કરતા પ્રવાસીઓ અને વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. દિવાળીના તહેવાર પૂર્વે જ રો-રો ફેરી સર્વિસ શરૂ થઈ જતા દક્ષિણ ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર તરફ અવર જવર કરતા લોકોનો સમય અને ખર્ચ બચશે. આજે સવારે હજીરાથી ટ્રીપનો પુનઃ પ્રારંભ થયો હતો.
દિવાળી સમયે લોકોનો સમય અને ખર્ચ બચશે
દિવાળીના તહેવાર પૂર્વે જ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનો પુનઃ પ્રારંભ થતા દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના ગામડાઓમાં દિવાળી મનાવવા આવતા પરિવારોને અવરજવરમાં સરળતા રહેશે. રો-રો ફેરીના કારણે પ્રવાસીઓના સમય અને ખર્ચની બચત થશે. આજે સર્વિસનો પુનઃ પ્રારંભ થતા પ્રથમ ટ્રીપમાં દહેજથી 100 જેટલી કાર, ટ્રક અને ટુ વ્હીલર્સ સાથે લોકો ઘોઘા આવી પહોંચ્યા હતા. દહેજથી સવારે 9 વાગ્યે ઉપડેલું જહાજ ઘોઘા બપોરે 1 વાગ્યે આવી પહોંચ્યું હતું.
રો-પેક્સના કારણે મુસાફરીનું અંતર અને સમય ઘટ્યો
હજીરા-ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરાઈ છે. આ સર્વિસમાં મુસાફરોની સાથે મોટરસાઈકલ, કાર, બસ અને ટ્રકને પણ એકથી બીજા સ્થળે લઈ જવાય છે. હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ થતાં આ બંને સ્થળનું અંતર 370 કિ.મી.થી ઘટીને 60 કિ.મી. થયું ગયું છે. અગાઉ આ મુસાફરીમાં 12 કલાકનો સમય થતો, જ્યારે હવે ફક્ત 4 કલાક થાય છે. સવારે ફેરીમાં બેસીને ભાવનગરથી સુરત જવા નીકળનાર સાંજ સુધીમાં પાછા ફરી શકે છે. જો તમે રો-રો ફેરી સર્વિસના માધ્યમથી હજીરાથી ઘોઘા અથવા ઘોઘાથી હજીરા જવા માગો છો તો તેના માટે તમારે www.dgseaconnect.comની સાઈટ પર ઓનલાઈન બુકીંગ કરાવવાનું રહેશે. હજીરાથી ઘોઘા આવવા માટે સવારે 8 વાગ્યે જહાજ ઉપડશે. જ્યારે ઘોઘાથી હજીરા જવા માટે બપોરે 3 વાગ્યે જહાજ ઉપડશે. રો-રો ફેરીમાં મુસાફરી માટે પ્રવાસીએ એક્ઝિક્યુટિવ ક્લાસના રૂ.625, બિઝનેસ ક્લાસના રૂ.825, બાઈકના રૂ.500, કારના રૂ.1400, બસના રૂ.5500, ટેમ્પો ના રૂ.4500 રૂપિયા ચૂકવવાના રહેશે.