નૈનિતાલમાં ભૂસ્ખલનથી પાંચ જણાનાં મોત

153

ઉત્તરાખંડમાં સતત ત્રીજા દિવસે કુદરતનો કહેર જારી : નૈનીતાલ સહિત અનેક વિસ્તારોમાં પ્રવાસીઓ ફસાયા, એસએસપી પ્રીતિ પ્રિયદર્શિનીએ જણાવ્યું હતું કે કેટલાક ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે
દહેરાદૂન, તા.૧૯
ઉત્તરાખંડમાં સતત ત્રીજા દિવસે કુદરતનો કહેર જારી છે. નૈનીતાલમાં વાદળ ફાટવાના કારણે ઘણા લોકો કાટમાળ નીચે દટાયા છે. ચારધામ યાત્રા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ ભૂસ્ખલનને કારણે ૫ લોકોના મોત થયા છે. ભારે વરસાદના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. નદી નાળાઓ ખતરાના નિશાનથા ઉપર વહી રહ્યા છે. નૈનીતાલ સહિત અનેક પ્રવાસન વિસ્તારોમાં પ્રવાસીઓ ફસાયેલા છે. અહીં ઝીલનું પાણી રોડ પર વહેતા જોવા મળી રહ્યા છે. દરમિયાન, હવામાન વિભાગે ઉત્તરાખંડમાં આગામી ૪૮ કલાક માટે એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે અત્યારે વરસાદથી કોઈ રાહત મળવાની નથી. ઉત્તરાખંડમાં જળપ્રલયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બેચેન છે. તેમણે સીએમ પુષ્કર સિંહ ધામી અને મંત્રી અજય ભટ્ટ સાથે ફોન પર વાત કરીને રાજ્યમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં વાદળ ફાટવાના અહેવાલ છે. અહીં ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. એસએસપી પ્રીતિ પ્રિયદર્શિનીએ જણાવ્યું હતું કે કેટલાક ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે, જોકે વાસ્તવિક સંખ્યા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ દરમિયાન ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સીએમ પુષ્કર ધામી સાથે ફોન પર વાત કરી. તેમણે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના યાત્રાળુઓને જરૂરી મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે. મુખ્યમંત્રીની સૂચનાને પગલે ગુજરાત સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પલાઇન નંબર (૦૭૯-૨૩૫૨૫૦૦) જાહેર કરવામાં આવ્યા છે જેથી પહાડી રાજ્યમાં ફસાયેલા ગુજરાતના યાત્રાળુઓનો સંપર્ક કરી શકાય. અવિરત વરસાદથી ભૂસ્ખલનને કારણે નૈનીતાલને અન્ય રાજ્યો સાથે જોડતા હલદવાણી, કાલાઢુંગી અને ભવલી રસ્તા બંધ થઈ ગયા છે. નૈનીતાલમાં ડીએમ નિવાસસ્થાન પણ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયું છે. મોટાભાગના નાળાઓ પાણીથી ઉભરાયા છે. નૈની ઝીલનું પાણી તલ્લીતાલના મોલ રોડ અને દોથ રોડ પર આવી ગયા છે. જેના કારણે લોઅર મોલ રોડ પર આવેલા મકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે. મલ્લીતાલમાં સ્થિત નૈના દેવીના મંદિર પરિસરમાં પણ નૈની ઝીલનું પાણી ભરાયું છે. બીજી તરફ, ભોવાલી રોડ પર લગભગ અડધો ડઝન સ્થળો પર કાટમાળનો મોટો જથ્થો આવી ગયો છે. આવી સ્થિતિમાં પોલીસ-વહીવટીતંત્રે નૈનીતાલ શહેરમાંથી પરત આવતા પ્રવાસીઓને રાત્રે શહેરમાં રહેવા અપીલ કરી છે. હવામાન વિભાગે મંગળવાર માટે ઉત્તરાખંડમાં વરસાદનું અપડેટ જારી કર્યું છે. જે મુજબ આજે ભારે વરસાદ સાથે પૂરની શક્યતા છે. એનડીઆરએફની ૧૦ ટીમો તૈનાત કરવામાં આવી છે. બચાવ કામગીરી દિવસ -રાત ચાલી રહી છે અને નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

Previous articleરાજૌરીમાં સેના સાથેની અથડામણમાં છ આતંકી ઠાર
Next articleઅરુણાચલમાં પ્રથમ વખત એવિએશન બ્રિગેડ તૈનાત