ડ્રાઇવીંગ લાયસન્સ એ ઘણું મહત્વનું છે. તે માત્ર દંડથી બચાવી નહીં પણ જે તે વાહન ચલાવતા આવડે છે તેનું પ્રમાણપત્ર છે. પરંતુ મામુલી રકમ મેળવવા આ લાયસન્સ આપવામાં પણ ચોક્કસ અધિકારીઓની મેલી મુરાદ ભારે ટીકાસ્પદ બની છે. ભાવનગર આર.ટી.ઓ.માં રોજીંદા ૧૨૦ થી ૧૫૦ જેટલા લાયસન્સ માટેના અરજદારો આવતા હોય છે જેઓ પ્રથમ કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરી ડ્રાઇવ ટેસ્ટ માટે આરટીઓ પર આવવું પડે છે. પરંતુ અહિ એજન્ટ વગર પાસ થવું જાણે શક્ય ન હોય તેવો માહોલ ઉભો થયો છે અને એજન્ટ રોકો એટલે ફરજીયાત સાહેબના બેથી અઢી હજારનો ચાંદલો લાગી જાય. પછી ટેસ્ટ આપો તોય ભલે અને ન આપો તોય ભલે. જો કે, આ ગેરરીતિ કોઇ નવી નથી. અગાઉ પણ આ અંગે સી.ઓ.ટી. સુધી જે તે અરજદારો દ્વારા ફરિયાદો કરાઇ છે અને તપાસના નામે મહિનાઓ વર્ષો નિકળી ગયા હોબાળો થાય ત્યારે થોડા સમય સુધી આવા કામો અટકી જાય અને ફરી શિંગડા ઉગી નિકળે તેવો ઘાટ ઘડાયો છે.
સામાન્ય અરજદાર ડાયરેક આરટીઓની કાર્યવાહી કરી શકતો નથી. કચેરીમાં સીંગલ વિંડો સીસ્ટમ અમલ કરવાની અને અરજદારને સંપૂર્ણ માહિતી માર્ગદર્શન મળી રહે તેવી પુછપરછની બારી શરૂ કરવાની તાતી જરૂર છે. જેથી અરજદાર પોતાનું કાર્ય પોતાની રીતે કરી શકે અને તે માટે જ અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ પણ ફરમાવાયો છે. પરંતુ અમલ થઇ શક્યો નથી.
જેનો સીધો ગેરલાભ આવા લેભાગુ લોકો લઇ રહ્યા છે. કચેરીના ચુનંદા ઇન્સ્પેક્ટરોને જ મલાઇવાળુ કાર્ય સોંપાતા બીલાડીને દૂધની રખેવાળી કરવા જેવો ઘાટ ઘડાયો છે. જો કે, આ અંગે સ્થાનિક આરટીઓએ ફરિયાદ મળે યોગ્ય પગલા લેવા અંગે પણ જણાવ્યું હતું.