પંજાબ કોંગ્રેસમાં મચેલું રાજકીય ધમાસાણ : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે મળીને ચૂંટણી લડવાના સંકેત પણ આપ્યા છે
નવી દિલ્હી, તા.૨૦
પંજાબ કોંગ્રેસમાં મચેલું રાજકીય ધમાસાણ અટકવાનું નામ લઇ રહ્યું નથી. કેપ્ટન અમરિંદર સિંહના મુખ્યમંત્રી પદ છોડ્યા બાદથી સતત પાર્ટી માટે મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. હવે અમરિંદર સિંહે પંજાબમાં નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. સાથે જ તેમણે ભાજપ સાથે મળીને ચૂંટણી લડવાના સંકેત પણ આપ્યા છે. કેપ્ટન અમરિંદર સિંહના મીડિયા એડવાઇઝર રવીન ઠુકરાલ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ અનુસાર પંજાબના ભવિષ્ય માટે લડાઇ ચાલુ રહેશે અને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં અમરિંદરની પાર્ટી ભાજપ સાથે ગઠબંધન પણ કરી શકે છે. આગળ લખવામાં આવ્યું છે કે પંજાબની શાંતિ અને સ્થિરતા લાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમરિંદર સિંહ તરફથી કહેવામાં આવ્યું છે કે અકાળી જુથો સાથે અલગ થયેલા દળો સહિત સમાન વિચારધારા વાળી પાર્ટીઓ સાથે મળીને તેમની સાથે ગઠબંધન કરવાનો પણ વિચાર છે. આ ઉપરાંત જો ખેડૂત આંદોલનનું સમાધાન તેમના હિતમાં થઇ જાય છે તો પંજાબમાં ભાજપ સાથે ડીલની પણ આશા છે. પંજાબના મુખ્યમંત્રીનું પદ છોડ્યા બાદ જ કેપ્ટન સ્પષ્ટ કરી ચૂક્યા હતા કે તે હવે કોંગ્રેસમાં નથી. તેમણે કહ્યું હતું કે તે અપમાન સહન કરશે નહી અને કોંગ્રેસમાં હવે રહેશે નહી, કારણ કે જેવું વર્તન તેમની સાથે કરવામાં આવ્યું છે તે યોગ્ય નથી. અમરિંદર પાસેથી સીએમ પદ લઇને કોંગ્રેસ હાઇ કમાન્ડએ ગત થોડા દિવસો પહેલાં ચરણજીત ચન્નીને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા અને તેની પાછળનું કારણ સિદ્ધૂ અને કેપ્ટનની તકરાર ગણવામાં આવે છે. સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન સિદ્ધૂને દેશ વિરોધ અને પાકિસ્તાન પરસ્ત ગણાવ્યું હતું. સાથે જ તેમણે જાહેરાત કરી હતી કે જો કોંગ્રેસ સિદ્ધૂને પંજાબ ચૂંટણીમાં ચહેરો બનાવે છે તો તેમના વિરૂદ્ધ પોતાના ઉમેદવાર ઉતારવા માટે તૈયાર છે.