મૃતક યુવાન લાંબા સમયથી કામ-ધંધા વિહોણો હોય હતાશામાં અજુગતું પગલું ભર્યું હોવાની લોક ચર્ચા
ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે રહેતાં એક શ્રમજીવી પરણીત યુવાને કોઈ અકળ.કારણોસર જાતેથી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ઘોઘા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી. સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે “મોરા” વિસ્તારમાં રહેતો અને છુટક મજૂરીકામ કરી જીવન નિર્વાહ ચલાવતો શ્રમજીવી યુવાન ભરત અરજણ ગોહિલ ઉ.વ.આ,40 એ આજરોજ વહેલી સવારે ઘોઘા દરિયાકાંઠે આવેલ રેસ્ટ હાઉસ સ્થિત વૃક્ષ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ જીવતરનો અકાળે અંત આણ્યો હતો આ બનાવની જાણ મૃતકના પરીજનો તથા ગ્રામજનો ને થતાં લોકો ના ટોળાં ઘટના સ્થળે એકઠાં થયા હતા આ બનાવ અંગે ઘોઘા પોલીસને વાકેફ કરાતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને લાશનો કબ્જો લઈ પંચનામું કરી મૃતકોના પરીજનોના નિવેદનો નોંધી તપાસ હાથ ધરી હતી આ યુવાને એકાએક આવું અજુગતું પગલું કેમ ભર્યું એ બાબત સ્પષ્ટ થવા પામી ન હતી પરંતુ લોકો માં થતી ચર્ચા મુજબ યુવાન લાંબા સમયથી કામ-ધંધા વિહોણો હોય આથી હતાશામાં આ પગલું ભર્યું હોવાની વાતો થતી હતી.