ન.પા.પ્રમુખ, ડીડીઓની ઉપસ્થિતિમાં રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો
બોટાદ જિલ્લામાં સરકાર દ્વારા બાળકોને ન્યુમોનિયા અને મગજના તાવથી બચાવતી ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સીન (ઁઝ્રફ) નો સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવેલ છે. જે અનુસંધાને આજ રોજ બોટાદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મમતા દિવસ સેશનમાં રસી આપીને સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ રસીકરણના શુભારંભ કાર્યક્રમમાં બોટાદ શહેરી વિસ્તારના શહેરી આરોગ્ય કેન્દ્ર બોટાદ-૧ માં નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગઢડા શહેરી વિસ્તારમાં જિલ્લા આર.સી.એચ. અધિકારી અને માજી નગરપાલિકા પ્રમુખ, ગઢડા દ્વારા રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને સાથો સાથ જિલ્લાના જુદાં જુદાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શહેરી આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય, ગ્રામ પંચાયતના સરપંચ તેમજ મેડીકલ ઓફિસર અને આરોગ્ય સ્ટાફ, આશા બહેનો અને લાભાર્થીઓ સાથે રહીને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને જાહેર જનતામાં આ રસીકરણ નો ૦ થી ૨ વર્ષના બાળકોને વધુને વધુ રસીકરણનો લાભ મળે તે માટે પ્રચાર અને પ્રસાર થાય તેવું માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. આ રસીકરણમાં બાળકોને પ્રથમ ડોઝ ૬ અઠવાડિયે બીઝો ડોઝ ૧૪ અઠવાડિયે અને ૯ માસે બુસ્ટર ડોઝનું રસીકરણ મમતા દિવસ સેશનમાં વિનામૂલ્યે કરવામાં આવશે. જે અંતર્ગત હવે પછી આ રસીકરણ માટે લાયક બાળકોને સમયસર રસીકરણ કરાવવા જાહેર જનતાને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેન્દ્ર રંગુનવાલા તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.