વિરોધનો અધિકાર પણ રસ્તા જામ ન કરી શકાય : સુપ્રીમ

100

સંયુક્ત કિસાન મોરચા અને અન્ય ખેડૂત સંઘોને ચાર સપ્તાહમાં પોતાનો જવાબ દાખલ કરવા કોર્ટનો નિર્દેશ
નવી દિલ્હી, તા.૨૧
છેલ્લા એક વર્ષથી દિલ્હીના રસ્તાઓ પર ખેડૂતોના ધરણાં પ્રદર્શન મુદ્દે આજે ફરી એક વખત સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું હતું કે, રસ્તાઓને અવરોધીને વિરોધ પ્રદર્શનો ન કરી શકાય. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ખેડૂતોને વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ અનિશ્ચિત કાળ માટે રસ્તાઓને જામ ન કરી શકાય. આ તરફ સંયુક્ત કિસાન મોરચાના કહેવા પ્રમાણે રસ્તાઓ વિરોધ કરનારા ખેડૂતોએ નહીં પણ પોલીસે જામ કરીને રાખ્યા છે. સુપ્રીમ કોર્ટે સંયુક્ત કિસાન મોરચા અને અન્ય ખેડૂત સંઘોને રસ્તાઓ પર વિરોધ કરનારા ખેડૂતોને હટાવવાની માગ કરતી અરજી મુદ્દે ૪ સપ્તાહમાં પોતાનો જવાબ દાખલ કરવા માટે કહ્યું હતું. ઘણાં લાંબા સમયથી દિલ્હીની સરહદો પાસે રસ્તાઓ પર ખેડૂતોએ ડેરો જમાવેલો છે. તેના કારણે રોડ પરિવહનને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. આ મામલે આગામી ૭ ડિસેમ્બરના રોજ સુનાવણી થશે. હરિયાણા સરકારે સંયુક્ત કિસાન મોરચા અંતર્ગત ૪૩ ખેડૂત સંગઠનોને પક્ષકાર બનાવવાની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, હાઈવે અને રસ્તાઓને જામ ન કરવા જોઈએ, કાયદો પહેલેથી જ નક્કી છે. અમે તેને વારંવાર દોહરાવી ન શકીએ. તેને લાગુ કરવું એ કાર્યપાલિકાનું કર્તવ્ય છે.

Previous articleસરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરાયો
Next articleઆર્યન ખાનના જામીનની સુનાવણી ૩૦ ઓક્ટોબરે