શાહરૂખ પુત્રને જેલવાસમાં રાહત ન મળી : જામીન અરજી નામંજૂર થયાનું જાણ્યા બાદ આર્યન પરેશાન, તે બેરેકના ખૂણામાં જઈને ચૂપચાપ બેસી ગયો
મુંબઈ, તા.૨૧
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન માટે ૨૦ ઓક્ટોબરનો દિવસ મહત્વનો હતો. સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં તેની જામીન અરજી પર ચુકાદો આવવાનો હતો. શાહરૂખ અને તેના પરિવારને આશા હતી કે, દીકરાને જામીન મળી જશે. આર્યન ખાનને પણ ૨૦ ઓક્ટોબરે જેલ મુક્ત થવાની આશા હતી. પરંતુ જ્યારે જજ વી.વી. પાટીલે ચુકાદો આપ્યો ત્યારે સૌના મોં પડી ગયા હતા. શાહરૂખ અને ગૌરી નિરાશ થયા હતા જ્યારે આર્યન ખાન પરેશાન થઈ ગયો હતો. આર્યનને જામીન પર મુક્ત કરાવા માટે હવે તેના વકીલોએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. આર્યનના વકીલોએ બોમ્બે હાઈકોર્ટમાં જસ્ટિસ નિતિન સાંબરેની સામે સુનાવણી અને લિસ્ટિંગનો ઉલ્લેખ કર્યો હતો. હાઈકોર્ટમાં સતિશ માનેશિંદેએ જસ્ટિસ સાંબરેને વિનંતી કરી હતી કે, બુધવારે જે જામીન અરજી ફગાવી દેવાઈ છે તેના પર શુક્રવાર અથવા સોમવારે સુનાવણી કરો. પરંતુ જસ્ટિસ સાંબરેએ કહ્યું કે, તેઓ મંગળવારે આ કેસ પર સુનાવણી કરશે. મતલબ કે, હવે આર્યન ખાનની જામીન અરજી પર ૩૦ ઓક્ટોબરને શનિવારના રોજ સુનાવણી થશે. દરમિયાન અગાઉ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં ૧૪ ઓક્ટોબરે જજે સુનાવણી પૂરી કર્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આખરે ૬ દિવસ બાદ ચુકાદાનો વખત આવ્યો પણ નિરાશા સાંપડી. શાહરૂખ-ગૌરી અને તેમના ફેન્સ સહિત આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આશા હતી કે ૨૦ ઓક્ટોબરે આર્યનને જામીન મળી જશે પરંતુ આ સૌની આશા ઠગારી નીકળી હતી. આર્યન ઉપરાંત આ કેસમાં પકડાયેલા અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના જામીન પણ ફગાવાયા હતા. આર્યનની જામીન અરજી પર ચુકાદો આવતાંની સાથે જ પ્રોટોકોલ અંતર્ગત જેલના અધિકારીએ આર્યનને આ વિશેની જાણકારી આપી હતી. આજતકના રિપોર્ટ પ્રમાણે, જેલના સૂત્રોએ જણાવ્યું કે, જામીન અરજી નામંજૂર થયાનું જાણ્યા બાદ આર્યન પરેશના થઈ ગયો હતો. આ ખબરથી દુઃખી થઈને આર્યન બેરેકના એક ખૂણામાં જઈને ચૂપચાપ બેસી ગયો હતો. તે કોઈની સાથે વાત પણ નહોતો કરતો. મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ૨૦ તારીખે થનારી સુનાવણીનું હકારાત્મક પરિણામ આવશે તેવી આર્યનને અપેક્ષા હતી. તેને લાગતું હતું કે જામીન મળી જશે. પરંતુ જામીન નામંજૂર થતાં તે ઉદાસ થઈ ગયો હતો. રિપોર્ટ પ્રમાણે, આર્યને ત્યાં રહેલા બીજા કેદીઓને પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું.આ તરફ બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મેળવવા માટે આર્યન પાસે માત્ર એક અઠવાડિયાનો સમય છે. આ દરમિયાન આર્યનના વકીલો તેને જામીન મળી જાય તેવા પૂરતા પ્રયાસ કરશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ૧ નવેમ્બરથી હાઈકોર્ટમાં દિવાળીની રજાઓ શરૂ થઈ રહી છે. એટલે કોર્ટ ૧૪ નવેમ્બર પછી ખુલશે. ત્યારે હાલ તો બોમ્બે હાઈકોર્ટ આ કેસની સુનાવણી ૨૬ ઓક્ટોબર પર મુલતવી રાખી છે.