9 વર્ષની ઉંમરે રૂચાએ ભારતનું પ્રતિનિધિત્વ કરી બાંગ્લાદેશ ખાતે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો
ગુજરાત રાજ્ય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ -2021ની યોગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ભાગ લઈ 11 વર્ષીય રૂચા ત્રિવેદીએ યોગા સ્ટેટ ચેમ્પિયનશીપમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. રૂચા ઓમ ત્રિવેદીએ યોગા સ્ટેટ ચેમ્પિયનશીપમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યા બાદ હવે આગામી 25 નવેમ્બરના રોજ ખેલો ઇન્ડિયામાં નેશનલ રમવા જશે.
16-18 ઓક્ટોબર દરમિયાન કાયાવરોહણ ખાતે NYSF અંતર્ગત યોજાયેલી રાજયકક્ષાની ગુજરાત રાજ્ય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ-2021માં યોગગુરુ રેતુભા ગોહિલના કોચિંગ તથા યોગાકોચ મેહુલ, નેશનલ પ્લેયર લક્ષ્મીદીદી, યોગાકવિન ભારતીદીદીના માર્ગદર્શન હેઠળ રિધમીક યોગામાં ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રૂચા-યજુર્વિની જોડીએ પ્રથમ ક્રમાંક મેળવી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી છે, તે હવે 25 નવે.થી દિલ્હી ખાતે નેશનલ કેમ્પમાં જશે અને હરિદ્વાર ખાતે ખેલો ઇન્ડિયામાં નેશનલ રમશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રૂચાએ 9 વર્ષની ઉંમરે ભારતનું પ્રતિનિધિત્વ કરી બાંગ્લાદેશ ખાતે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. રૂચા યોગા સાથે જીમનાસ્ટિક પણ રમે છે. આ ચેમ્પિયનશીપમાં રાજ્ય અને દેશના યોગા એસો.ના પદાધિકારીઓ, યોગ ગુરુઓ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા ધારાસભ્યઓએ ઉપસ્થિત રહી તમામ યોગ સ્પર્ધકોને શુભકામનાઓ પાઠવી હતી.