આતંકવાદીઓ સામે પગલાં ન લેવાની મળી સજા : પાકિસ્તાનની સરકાર આતંકવાદની સામે ૩૪ મુદ્દાના એજન્ડામાંથી ચારને પૂરા કરવામાં નિષ્ફળ રહી
ઈસ્લામાબાદ, તા.૨૨
ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની પેરિસમાં મળેલી ઓનલાઈન બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય કરાયો છે. ગુરુવારે સાંજે અપાયેલા સ્ટેટમેન્ટમાં એફએટીએફએ જણાવ્યું કે, પાકિસ્તાનની સરકાર આતંકવાદની સામે ૩૪ મુદ્દાના એજન્ડામાંથી ચારને પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. એફએટીએફએ એમ પણ કહ્યું કે, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રે પ્રતિબંધિત કરેલા આતંકવાદીઓ સામે પણ કોઈ નક્કર કાર્યવાહી નથી કરી. એફએટીએફે તુર્કી અંગે પણ કડક ટિપ્પણી કરી છે. એફએટીએફએ જણાવ્યું કે, પાકિસ્તાન સતત વોચ લિસ્ટ (ગ્રે લિસ્ટ)માં છે. તેની સરકાર પાસે ૩૪ મુદ્દાની કાર્ય યોજના છે, જેમાંથી ૩૦ પર જ એક્શન લેવાયા છે. એફએટીએફએ ગ્રે લિસ્ટમાંથી બોત્સવાના અને મારીશનને બહાર કરી દીધા છે. એફએટીએફએ કહ્યું કે, આ બંને દેશોએ મની લોન્ડ્રિંગ અને આતંકવાદને મળી રહેલા ફંડને લઈને મોટી કાર્યવાહી કરી છે. એફએટીએફનું ત્રણ દિવસીય સત્ર ૧૯ ઓક્ટોબરે શરૂ થયું હતું. પાકિસ્તાને હજુ સુધી એફએટીએફના બધા માપદંડોને પૂરા નથી કર્યા. એવામાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર રાખવાનો નિર્ણય એપ્રિલ ૨૦૨૨માં આયોજિત થનારા એફએટીએફના આગામી સત્રમાં લેવામાં આવી શકે છે. આ વર્ષે જૂનમાં એફએટીએફએ પાકિસ્તાનને બ્લેક મની પર રોક ન લગાવવા, આતંકવાદ માટે ફાઈનાન્સિંગ વધારવા પર ગ્રે લિસ્ટમાં રાખ્યું હતું. એફએટીએફએ પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત કરાયેલા આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા લોકો સામે તપાસ કરવા અને તેમની સામે કેસ ચલાવવા કહ્યું હતું. પાકિસ્તાને દેખાડો તો કર્યો, પરંતુ વાસ્તવિક સ્તર પર કોઈ કામ નથી કર્યું.પાકિસ્તાન એફએટીએફના ગ્રે લિસ્ટમાં જ રહેશે તો તેની આર્થિક સ્થિતિ કથળી જશે તે નિશ્ચિત છે. પાકિસ્તાનને આંતરાષ્ટ્રીય મોનેટરિ ફંડ (આઈએમએફ), વર્લ્ડ બેંક અને યુરોપીય સંઘ તરફથી આર્થિક મદદ મળવી પણ મુશ્કેલ થઈ જશે. પહેલેથી જ કંગાળ થવાના આરે ઊભેલા પાકિસ્તાનની હાલત વધુ ખરાબ થઈ જશે. બીજા દેશો પાસેથી પણ આર્થિક મદદ મળવાનું બંધ થઈ શકે છે. કેમકે, કોઈપણ દેસ આર્થિક રીતે અસ્થિર દેશમાં રોકાણ કરવા ઈચ્છતો નથી.