ભાવનગર મહાનગર પાલિકાના શહેરી સ્વચ્છતાનું કામ કરતા સફાઈ કામદારોની સારી કામગીરી અંગે કામગીરી કરતા ૪૩ જેટલા સફાઈ કામદાર ભાઈઓને સન્માનિત કરી પ્રમાણપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ સોલીડ વેસ્ટ અને ડ્રેનેજ વિભાગ દ્વારા અટલ બિહારી બાજપાઈ હોલ ખાતે મેયર નિમુબેન બાંભણીયાના અધ્યક્ષ પદે અને આરોગ્ય કમિટીના કિર્તીબેન દાણીધારીયાની ખાસ હાજરીમાં ઉજવાયો હતો, આ કાર્યક્રમમાં જે સફાઈ કામદારોને ૧ર૦૦ દિવસની હાજરી થઈ તેઓને હંગામી ઓર્ડરો પણ આપવામાં આવ્યા હતા. મેયર નિમુબેન, કિર્તીબેન, યુવરાજસિંહ ગોહિલની ઉપસ્થિતીમાં યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆતમાં નાય.કમિશ્નર ગોવાણીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતુ કે, રસ્તાની સફાઈ કામગીરી કરતા સફાઈ કામદારની જયારે કોઈ નોંધ લેતુ નથી તેવા સમયે સારી સ્વચ્છતા કરનારા સફાઈ કામદારોનું બહુમાન કરી તેને પ્રમાણપત્રો દેવાય તે તંત્રની આવકારદાયક કામગીરી ગણાવી ભારતમાં સ્વચ્છતા મુદ્દે ભાવ.મ્યુ.નો ૩૩મો ક્રમ આવ્યો તેની ટુંકી વાત કરી સફાઈ કામદારોને અભિનંદન આપ્યા હતા. વિશ્વ મજદુર દિન ઉજવણીના ભાગરૂપે સેવા સદન દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં બોલતા મેયર નિમુબેન બાંભણીયાએ સફાઈ કામદારોને સૈનિક તરીકે ગણાવી સ્વચ્છતાનું સુંદર કામ કરીને સફાઈ કામદારો નગરના લોકોની આરોગ્ય સુખાકારી માટે તનતોડ મહેનતથી પ્રયાસો કરે છે, તે કામને બિરદાવી અભિનંદન આપતા સફાઈ કામગીરીને મળતા સહયોગની પ્રસંશા કરી હતી.
યુવરાજસિંહ ગોહિલે જણાવ્યુ કે, સ્વચ્છતાએ મારો જીવન મંત્ર છે ૮૦ ટકા સ્વચ્છતાનું સારૂ કામ થયાની વાત કરી હતી, તેમણે ૧૦૦ કરોડના વિકાસ કામોની ગતિવીધની ટુંકી વાત કરી હતી. આરોગ્ય કમિટીના કિર્તિબેન દાણીધારીયાએ જણાવ્યુ કે, સફાઈ કામદારો સિવાય અમારો કોઈ કાર્યક્રમ દિપે નહી, તમે સેવા સદનના હાથ પગ છો, સફાઈ કામદાર બહેનો શકિત છે, તમારા કામથી શહેરી સ્વચ્છતાનું સુંદર કામ થઈ રહયુ છે સાથે તમારા પ્રશ્નો પણ હલ થવા જોવે તેના પર ભાર આપ્યો હતો.
આ કાર્યક્રમમાં સફાઈ કામદારોને સન્માનિત કરીને મુમેન્ટો આપી પ્રમાણપત્ર દેવાયા હતા અને ૪૦ સફાઈ કામદારોને રોજમદારમાંથી હંગામીના ઓર્ડરો પણ દેવાયા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં સોલીડ વેસ્ટ અધિ.શુકલે બધાનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપ રેખા આપી હતી અને હવે સફાઈ કામદારોના બધા પ્રશ્નોના ઉકેલો માટે વોર્ડ વાર તંત્ર સફાઈ કામદારોને સાંભળવાની વિગત આપી હતી. આજના આ કાર્યક્રમમાં સોલીડ વેસ્ટના રોહિંતભાઈ, સોમજીભાઈ સોલંકી, ડ્રેનેજના દુષ્યંતભાઈ પંડયા, ગણચરભાઈ વિગેરે સેનેટરી ઇન્સ પેકટરોના પણ સન્માનો થયા હતા.