સાહિત્યકાર ભીખુદાન ગઢવીનો ડાયરો, પેઈન હીલિંગ કેમ્પનું આયોજન કરાયું
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના 173 માં વાર્ષિક પાટોત્સવ નિમિતે અનેક ધાર્મિક કાર્યકમો યોજાયા હતા. આજે સોમવારે કેમ્પ અને હવનની પૂર્ણાહુતિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાટોત્સવ દરમિયાન રવિવારે રાત્રે સાહિત્યકાર ભીખુદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. તેમજ આજે સોમવારે નેચર ક્યોર અમદાવાદ દ્વારા નિઃશુલ્ક પેઈન હીલિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં માઈગ્રેન, ગાદીના મણકા તેમજ શરીરના અન્ય દુખાવો સારવાર મેન્યુઅલ થેરાપી કરવામાં આવ્યો હતો, જેનો લાભ હરિભક્તોએ લીધો હતો.
મહંત વિષ્ણુપ્રકાશદાસજીની શુભ પ્રેરણાથી તેમજ પુજારી સ્વામી ધર્મકિશોરદાસજીની અથાગ મહેનતથી પવિત્ર યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના 173માં પાટોત્સવ નિમિતે મંગળા આરતી, અવનવી વાનગીઓનો અન્નકૂટ ભવ્ય શણગાર તથા અન્નકૂટની આરતી કરવામાં આવી હતી. જેનો લાભ હજારો ભાવિકોએ લીધો હતો. હનુમાન દાદાને મીઠાઈની વાનગીઓનો અન્નકૂટ ધરી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને અવનવી વાનગીઓનો અન્નકૂટના ભાવિકો રૂબરૂ દર્શન કરી ધાન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા લાખો હરિભક્તોએ હનુમાનજીદાદાના અલૌકિક અન્નકૂટનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.