યુવાનોના કૌશલ્ય નિર્માણ દ્વારા સ્વરોજગારની દિશાઓ ખોલવા સરકાર પ્રતિબદ્ધ : મુખ્યમંત્રી

919
guj552018-6.jpg

‘ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૮’નું મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ વિમોચન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોના કૌશલ્ય નિર્માણ અને રોજગારી-સ્વરોજગારીના અવસરો તેમને મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા યુવાઓને ઝડપથી રોજગારી મળી રહે તે માટે  કૌશલ્ય વિકાસના કાર્યક્રમોને અગ્રતા આપવામાં આવી છે. મુખ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે ‘મુખ્ય મંત્રી એપ્રેન્ટિસશીપ યોજના’ અન્વયે રાજ્યના શિક્ષિત યુવાનોને સ્કીલ બેઝ તાલીમ આપી બજારની માંગ મુજબ કૌશલ્ય ધરાવતા માનવ બળનું નિર્માણ કરવામાં આવશે. 
આ  પ્રસંગે માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ  અશ્વિનીકુમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રતિ વર્ષે બોર્ડના પરિણામો પૂર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓને કારકિર્દીની પસંદગીમાં સહાયરૂપ બનવા માટે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક પ્રસિદ્ધ કરવામાં આવે છે.
 ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકની પ્રતિ વર્ષ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એમ તેમણે ઉમેર્યું હતું.
માહિતી નિયામક અશોક કાલરીયાએ કહ્યું હતું કે, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પછી ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમો ઉપરાંત સ્નાતક પછી કારકિર્દીના તકો, પ્રેરણાદાયી લેખોને આવરી લેતા ચાર વિભાગમાં વિભાજીત કારકીર્દિ માર્ગદર્શન વિશેષાંકમાં ભાવિ કારકીર્દિ અંગે ઉપયોગી માહિતી આવરી લેવામાં આવી છે. રાજ્યની તમામ જિલ્લા માહિતી કચેરીઓ ખાતેથી  કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક પ્રતિ નકલ રૂ.૨૦ની કિંમતે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રાપ્ત કરી શકાશે.
આ પ્રસંગે અધિક માહિતી નિયામક  અરવિંદ પટેલ અને સંયુકત માહિતી નિયામક પુલક ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleમંત્રી વિભાવરીબેન દ્વારા શ્રમદાન…
Next articleરૂપાલ ખાતે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આજીવિકા દિવસની ઉજવણી