નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ એ આ મુલાકાત દરમિયાન તળાવ ઉંડુ કરવાની કામગીરીમાં ઉપયોગમાં લેવાઇ રહેલા જેસીબી, ૬ જેટલા ટ્રેક્ટર, તળાવનો કુલ વિસ્તાર, કેટલા મીટર સુધી ઉંડુ કરવું, તેની માટીનો ઉપયોગ, કુલ કેટલા ઘનમિટર માટી નિકળશે, કુલ કેટલા દિવસ કામ ચાલશે જેવી વિગતો નાદરી ગામના સરપંચ પાસેથી મેળવી હતી.
નાયબ મુખ્યમંત્રીએ તળાવનું નિરીક્ષણ કરીને તળાવમાં આવતા પાણીના આવરાની સફાઇ, તળાવમાં આવેલા બાવળો દૂર કરીને કિનારે નવા વૃક્ષો વાવવા, કાંપવાળી માટી ખેડૂતોને આપવી, જેવા વિવિધ સૂચનો પણ સંબંધિત અધિકારીઓને કર્યા હતા.
નાદરી ગામ પંચાયતના સર્વે નં.૨૨૬માં આવેલું આ તળાવ ૧.૫ એકરમાં ફેલાયેલું છે. હાલમાં તળાવ ૪ મીટર જેટલી ઉંડાઇ ધરાવે છે જેને વધુ ર મીટર જેટલું ઉંડુ કરવામાં આવશે. જેનાથી અંદાજે ૭૦૦૦ થી ૯૦૦૦ ઘન મીટર સુધી માટી નિકળશે. આ તળાવ ઉંડુ કરવાથી આજુબાજુના ૨૫ જેટલા ખેડૂતોની ૨૦૦ વીઘા જેટલી જમીનને સિંચાઇનો લાભ મળશે.