રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનો ૬૭મો સમારોહ યોજાયો : મનોજ બાજપેયીને ભોંસલે માટે અને સાઉથ સ્ટાર ધનુષને તમિલ મૂવી અસુરન માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ
નવી દિલ્હી, તા.૨૫
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના ૬૭મા સમારોહમાં સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મ જગતના સર્વોચ્ય સન્માન વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૪૫ વર્ષ સુધી પોતાના યોગદાન માટે રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા. રજનીકાંત ઉપરાંત મનોજ બાજપેયી, ધનુષ અને કંગના રનૌતને પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
સમારંભ દરમિયાન લોકોએ રજનીકાંતનું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન કર્યું હતું. મનોજ બાજપેયીને ’ભોંસલે’ માટે અને સાઉથ સ્ટાર ધનુષને તમિલ મૂવી ’અસુરન’માં પોતાના શ્રેષ્ઠ પર્ફોર્મન્સ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો. કંગના રનૌતને મણિકર્ણિકા અને પંગા ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે. ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ફિલ્મ જગતના તમામ દિગ્ગજ સિતારાઓને સન્માનિત કર્યા છે. રાષ્ટ્રીય પુરસ્કાર સમારંભમાં સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ છિછોરેની ટીમ પણ બેસ્ટ હિંદી ફિલ્મ એવોર્ડ વડે પુરસ્કૃત કરવામાં આવી છે. તેમની ફિલ્મ છિછોરેને રજત કમલ એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા છે. અસુરનને બેસ્ટ તમિલ અને જર્સીને બેસ્ટ તેલુગુ ફિલ્મની કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. અભિનેત્રી કંગના રનૌત ચોથી વખત નેશનલ એવોર્ડ વડે સન્માનિત થઈ છે. અગાઉ તેને ફિલ્મ ફેશન માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ, ક્વીન માટે બેસ્ટ એક્ટ્રેસ અને તનુ વેડ્સ મનુ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળેલો છે. તાસકંદ ફાઈલ્સને બેસ્ટ સ્ક્રીનપ્લે માટે નેશનલ એવોર્ડ, સિંગર બી પ્રાકને તેના ગીત ’તેરી મિટ્ટી’ માટે રજત કમલ પ્રદાન કરવામાં આવ્યો.