આર્યન કેસની તપાસ કરતા સમીર વાનખેડે સામે વિજિલન્સ તપાસ

87

સમીર વાનખેડે પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની વિજિલન્સ તપાસ થઈ રહી હોવાને એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહનું સમર્થન
નવી દિલ્હી, તા.૨૫
મુંબઈમાં ડ્રગ્સ કેસની તપાસ દ્વારા ચર્ચામાં આવેલા એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. હવે તેમના વિરૂદ્ધ વિજિલેન્સની તપાસ પણ શરૂ થઈ ગઈ છે. સમીર વાનખેડે પોતાના પદ પર જળવાઈ રહેશે કે નહીં તેના પર શંકાના વાદળ મંડારાઈ રહ્યા છે. એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે, સમીર વાનખેડે પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની વિજિલેન્સ તપાસ થઈ રહી છે. શું સમીર પદ પર જળવાઈ રહેશે તેવા સવાલના જવાબમાં જનરલ જ્ઞાનેશ્વર સિંહે કશું કહી ન શકાય તેમ કહ્યું હતું. આ બધા વચ્ચે સમીર વાનખેડે મંગળવારે દિલ્હી પહોંચી રહ્યા છે. દિલ્હી સ્થિત એનસીબી હેડક્વાર્ટરમાં તેમને લઈને ચર્ચા પણ થઈ રહી છે. એનસીબીમાં તેમને લઈ આંતરિક તપાસ પણ થઈ રહી છે. જ્ઞાનેશ્વર સિંહે જણાવ્યું કે, જે તપાસ ચાલી રહી છે તેને તેઓ સુપરવાઈઝ કરી રહ્યા છે. જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે, તેઓ પદ પર રહેશે કે નહીં તે અંગે કાંઈ પણ કહેવું ઉતાવળ ગણાશે કારણ કે તપાસ હાલ શરૂ થઈ છે. ક્રૂઝ પાર્ટી સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસ દરમિયાન એનસીબીએ શાહરૂખ ખાનના દીકરા આર્યનની ધરપકડ કરી હતી. આ મામલે સ્વતંત્ર સાક્ષી પ્રભાકરે ૨૫ કરોડની ડીલની વાત કરી હતી અને એનસીબી ઓફિસમાં તેના પાસે કોરા કાગળ પર સહી કરાવાઈ હોવાનું કહ્યું હતું.

Previous articleરજનીકાંત દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત
Next articleએલસીબીએ તળાજા-મહુવા હાઈવે પરથી પરપ્રાંતિય શરાબના જથ્થા સાથે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી